શિવસેના અને એનસીપીએ એમએલસીની પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કર્યા

મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે 27 માર્ચે યોજાનારી પેટાચૂંટણી માટે એક-એક ઉમેદવાર જાહેર કરતાં હવે આ ચૂંટણી બિનવિરોધ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે.
મહાયુતિ સરકારમાં તેમના સાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રવિવારે ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા પછી આ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
શિવસેનાએ નંદુરબાર જિલ્લાના એક અગ્રણી કાર્યકર ચંદ્રકાંત રઘુવંશીને ઉમેદવાર બનાવ્યા છે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીએ સંજય ખોડકેને ઉમેદવાર બનાવ્યા છે, જેમની પત્ની 2024ની રાજ્ય વિધાનસભા ચૂંટણી જીતી ગઈ હતી.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદ પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર…
રવિવારે, ભાજપે નાગપુરના ભૂતપૂર્વ મેયર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગી સંદીપ જોશી, રાજ્ય ભાજપ મહાસચિવ સંજય કેનેકર અને ભૂતપૂર્વ વિધાનસભા સદસ્ય દાદારાવ કેચેની ઉમેદવારીની જાહેરાત કરી હતી.
આ પાંચ બેઠકો માટેની પેટાચૂંટણી બિનહરીફ થવાની સંભાવના છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સભ્યો જીત્યા બાદ વિધાન પરિષદમાં બેઠકો ખાલી પડી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024માં જીત મેળવનારા સભ્યોમાં શિવસેનાના અમાશા પાડવી, એનસીપીના રાજેશ વિટેકર અને ભાજપના પ્રવીણ દટકે, ગોપીચંદ પડળકર અને રમેશ કરાડ હતા.
27 માર્ચે યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્રો દાખલ કરવાનો સોમવાર છે. મંગળવારે નામાંકનોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારો 20 માર્ચ સુધીમાં ચૂંટણી મેદાનમાંથી પાછા ખેંચી શકશે. જો પાંચથી વધુ ઉમેદવારો ઉમેદવારીપત્રો દાખલ નહીં કરે તો ચૂંટણી બિનહરીફ રહેશે.
રાજ્ય વિધાન પરિષદમાં 78 સભ્યો છે. વિધાનસભાથી વિપરીત, પરિષદ દર પાંચ વર્ષે વિસર્જન થતી નથી, અને સભ્યો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે. 78 સભ્યોમાંથી, 30 વિધાનસભા દ્વારા, 22 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માધ્યમથી અને સાત શિક્ષકો અને સ્નાતકો દ્વારા ચૂંટાય છે.
વધુમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સાહિત્ય, કલા, સહકાર અને સામાજિક સેવાના ક્ષેત્રોમાંથી 12 સભ્યોને નોમિનેટ કરે છે.
2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, કાઉન્સિલમાં બાવન સભ્યો હતા. ભાજપ, શિવસેના અને એનસીપીના બનેલા મહાયુતિ ગઠબંધનમાં 32 સભ્યો છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ) પાસે 17 સભ્યો છે.
ભાજપ પાસે 19 એમએલસી છે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાસે છ અને એનસીપી પાસે સાત સભ્યો છે. એમવીએ કેમ્પમાં, કોંગ્રેસના સાત સભ્યો છે, એનસીપી (એસપી) પાસે ત્રણ અને શિવસેના (યુબીટી) પાસે સાત સભ્યો છે. ત્રણ અપક્ષ સભ્યો પણ છે.
વિપક્ષોએ અત્યાર સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. એમવીએ પાસે રાજ્ય વિધાનસભામાં બેઠક સુરક્ષિત કરવા માટે પૂરતી સંખ્યા નથી અને તેથી તેઓએ ચૂંટણી લડવાનું ટાળ્યું હોઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે.