અમેરિકાના 50% ટેરિફ પર શરદ પવારનું નિવેદન: ‘ટ્રમ્પની દબાણકારી નીતિ, દેશે એક થવું પડશે’

નાગપુર: અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી તેની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેને લઈને ઓગસ્ટના મધ્યમાં અમેરિકી અધિકારીઓની એક ટીમ ટેરિફ અંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ભારત આવશે.
ભારત આ વાતચીતને સકારાત્મક દિશામાં આગળ વધારશે. ત્યારે ટેરિફને લઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: ભારત આત્મનિર્ભર દેશ બની ગયો છે: અમેરિકાના 50% ટેરિફનો પીયૂષ ગોયલે આપ્યો જવાબ…
લોકોએ સરકારને ટેકો આપવો જોઈએ
એનસીપી(SP) અધ્યક્ષ શરદ પવારે નાગપુરમાં એક પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા શરદ પવારે જણાવ્યું હતું કે, ભારત પર 50 ટકા ટેરિફ લાદવો એ ડૉનાલ્ટ ટ્રમ્પની દબાણકારી નીતિ છે.
ભારતના લોકોએ દેશહિત માટે સરકારને ટેકો આપવો જોઈએ.ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં અમે તેની કામગીરી જોઈ છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી. તે જે કંઈ વિચારે છે, તે વિચાર્યા વગર કહી દે છે.”
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફ બોમ્બ અંગે અભિનેતા જોન અબ્રાહમે આપી પ્રતિક્રિયા, અસરો વ્યાપક હશે…
પડોશી દેશો સાથે સંબંધ સુધારવાની જરૂર
પડોશી દેશો સાથેના સંબંધો અંગે શરદ પવારે જણાવ્યું કે, “આપણે પડોશી દેશો પ્રત્યેની આપણી નીતિની અવગણના ન કરવી જોઈએ. આપણા પાડોશીઓ આપણાથી દૂર થઈ રહ્યા છે.
આજે પાકિસ્તાન આપણું વિરોધી છે. નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ જેવા દેશો આપણાથી નાખુશ છે. મોદી સાહેબે આ સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ અને પડોશી દેશો સાથે મિત્રતા મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, પોતાના સંબોધનમાં શરદ પવારે સરકારની વિદેશ નીતિ અંગે પણ વાત કરી હતી. શરદ પવારે જણાવ્યું હતું કે, “સરકારે વિદેશ નીતિમાં સંતુલન જાળવવાની જરૂર છે. હાલની પરિસ્થિતિમાં રાષ્ટ્રીય હિતને સૌથી ઉપર રાખવું પડશે. ટ્રમ્પની ટેરિફ નીતિ અને વૈશ્વિક દબાણ વચ્ચે, ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે એકતા બતાવવી પડશે.”