શક્તિપીઠ એક્સપ્રેસ-વે ખેડૂતોના ભોગે થોડા લોકોને મદદ કરવા માટે: રાજુ શેટ્ટી

જાલના: સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ શનિવારે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસ-વેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સ્વાર્થી લોકો દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.
86,300 કરોડ રૂપિયાનો નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે 810 કિલોમીટર લાંબો છે અને મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાંથી પસાર થશે.
શક્તિપીઠ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કોઈ વિકાસની પહેલ નથી, પરંતુ સ્વાર્થી લોકો દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે. તે સામાન્ય લોકો અને ખેડૂતોના ભોગે પસંદગીના કેટલાક લોકોને લાભ અપાવવા માટે તૈયાર થઈ રહ્યો છે. પ્રોજેક્ટનો વાસ્તવિક ખર્ચ 28,000 કરોડ રૂપિયા હોવો જોઈતો હતો, પરંતુ તેમાં લગભગ 58,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરોના લાભ માટે રચાયેલો પ્રોજેક્ટ છે, એમ શેટ્ટીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નવા ‘શક્તિપીઠ એક્સપ્રેસવે’ શરૂ થશે, નાગપુરથી ગોવા ૮-૧૦ કલાકમાં પહોંચાશે
‘એક્સપ્રેસવે માટે 55,000 ખેડૂતોની લગભગ 27,000 એકર જમીન સંપાદિત કરવામાં આવશે. આ વળતર પૂરતું નથી. તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકાર હેઠળ જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસવાટ અધિનિયમ 2013માં કરવામાં આવેલા સુધારાએ ખેડૂતોના રક્ષણ માટેની વાજબી વળતર અને પારદર્શિતાની જોગવાઈઓને નબળી પાડી દીધી હતી.’ એવો દાવો તેમણે કર્યો હતો.
શેટ્ટીએ ધ્યાન દોર્યું કે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે, જે આવા જ વિરોધ વચ્ચે બાંધવામાં આવ્યો હતો, તેનો ઘણો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે.
તેમણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની પણ ટીકા કરી હતી.
આ પણ વાંચો: શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે
‘ખાનગી વીમા કંપનીઓને મદદ કરવાનું આ કૌભાંડ છે. છેલ્લા પાંચ વર્ષમાં, વીમા કંપનીઓએ આ યોજના હેઠળ દેશભરમાં 50,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ તેમનો નફો 10,500 કરોડ રૂપિયા હતો,’ એવો દાવો શેટ્ટીએ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા કૃષિ લોન માફ કરવાનો ઇનકાર ‘વિશ્વાસઘાતથી ઓછો નથી.’
શેટ્ટી હાલમાં ખેડૂતોની સમસ્યાઓ ઉજાગર કરવા માટે મરાઠવાડા અને વિદર્ભનો પ્રવાસ કરી રહ્યા છે. (પીટીઆઈ)