4.61 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ટીવી પર્સનાલિટી જય દુધાનેની ધરપકડ…

થાણે: બૅન્ક પાસે ગિરવી હોવા છતાં પાંચ વ્યાવસાયિક ગાળા વેચવાના કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા બિસ બૉસ મરાઠી ફૅમ ટીવી પર્સનાલિટી જય દુધાનેની મુંબઈના ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકરણે નિવૃત્ત એન્જિનિયરે નોંધાવેલી ફરિયાદને આધારે વર્તક નગર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. થાણેની એક બૅન્કમાં ગિરવી પાંચ વ્યાવસાયિક ગાળા વેચવાનો પ્રયાસ કરી દુધાને અને તેના પરિવારના ચાર સભ્યએ 4.61 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રવીણ માનેએ જાણીતા ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર અને મોડેલ જય દુધાનેની શનિવારે ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું.
એફઆઈઆરમાં જણાવાયું હતું કે દુધાનેએ ફૅક બૅન્ક ક્લીયરન્સ લેટર અને 4.95 કરોડ રૂપિયાના નકલી ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત બનાવટી દસ્તાવેજો ફરિયાદીને આપ્યા હતા. બૅન્કે મિલકતને તાબામાં લેવા સંબંધી નોટિસ મોકલાવ્યા બાદ આ છેતરપિંડી સામે આવી હતી.
પોલીસે દુધાને અને તેના પરિવારના ચાર સભ્ય વિરુદ્ધ છેતરપિંડી અને ઠગાઈને લગતી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



