મહારાષ્ટ્ર

સરપંચની હત્યા બીડમાં જોરદાર વિરોધ, મહાયુતિના વિધાનસભ્યોએ પણ ધનંજય મુંડેની હકાલપટ્ટીની માંગ કરી

બીડ: મહારાષ્ટ્રના બીડ શહેરમાં શનિવારે હજારો લોકો મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના વિરોધમાં એકઠા થયા હતા, જ્યારે શાસક પક્ષોના વિધાનસભ્યોએ પણ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને બરતરફ કરવાની માગણી કરી હતી.

મરાઠા અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે, કોલ્હાપુરના રાજ પરિવારના છત્રપતિ સંભાજી, સ્થાનિક ભાજપના વિધાનસભ્યો સુરેશ ધસ, અભિમન્યુ પવાર, એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ સોલંકે અને એનસીપી (એસપી)ના વિધાનસભ્યો જીતેન્દ્ર આવ્હાડ અને સંદીપ ક્ષીરસાગરે ‘આક્રોશ મોરચા’ અથવા વિરોધ કૂચમાં ભાગ લીધો હતો.

વિરોધીઓએ બીડ જિલ્લાના રાજકારણી ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ધરપકડની માંગ કરી હતી.
નવમી ડિસેમ્બરે સંતોષ દેશમુખનું અપહરણ કરીને તેમને ત્રાસ આપીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ વિપક્ષી નેતાઓએ શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભામાં દાવો કર્યો હતો કે વાલ્મિક કરાડ હત્યાકેસનો મુખ્ય સૂત્રધાર હતો. કરાડનું નામ ખંડણી સંબંધિત કેસમાં આરોપી તરીકે છે, તે હજુ પણ ફરાર છે.

આપણ વાંચો: બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે

મૃતક સરપંચની પુત્રી વૈભવી દેશમુખે વિરોધ પ્રદર્શન દરમિયાન તેના પિતા માટે ન્યાયની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે દલિત સમુદાયના એક વ્યક્તિને બચાવતી વખતે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અભિમન્યુ પવાર પડોશી લાતુર જિલ્લાના ઔસાથી વિધાનસભ્ય બનતા પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સહાયક હતા. તેમણે કહ્યું હતું કે દેશમુખની હત્યાથી થતી પીડા મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અનુભવાઈ હતી.

‘જો હું (શાસક) સરકારનો ભાગ હોઉં તો પણ હું સરકારને કહેવા માગું છું કે જો આરોપીઓની ધરપકડ નહીં થાય, તો વિરોધ રાજ્યના અન્ય ભાગોમાં પહોંચશે. અમે સંતોષ દેશમુખના પરિવાર માટે ન્યાય ઇચ્છીએ છીએ,’ એમ તેમણે કહ્યું હતું.

ભાજપના વિધાનસભ્ય ધસે આરોપ લગાવ્યો હતો કે અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન મુંડેએ બીડ જિલ્લાના પરલીથી વિધાનસભાની ચૂંટણી બોગસ મતને આધારે જીતી હતી.

આપણ વાંચો: બીડમાં કાયદો અને વ્યવસ્થા સંતોષકારક નથી, જિલ્લા નેતૃત્વ જવાબદાર’; અજીત પવારના વિધાનસભ્ય ધનંજય મુંડે પર લગાવ્યો આરોપ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેમાં મુંડેનો સંબંધ છે તે શાસક ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનનો ભાગ છે.
એનસીપીના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે હત્યાના 19 દિવસ પછી પણ કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે, અને વાલ્મિક કરાડની પણ ધરપકડ કરવામાં આવી નથી.

ધનંજય મુંડે છેલ્લા પાંચમાંથી ચાર વર્ષ બીડના પાલક પ્રધાન હતા. મુંડેને બરતરફ કરવાની જરૂર છે. જ્યાં સુધી આરોપીઓને દોષી ઠેરવવામાં ન આવે ત્યાં સુધી મુંડેને બરતરફ કરવા જોઈએ જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે, એમ સોલંકેએ જણાવ્યું હતું.
તેમણે એવી માહિતી આપી હતી કે માજલગાંવ મતવિસ્તાર જેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તેણે દેશમુખ પરિવાર માટે 40 લાખ રૂપિયા એકઠા કર્યા છે.

આપણ વાંચો: પરભણી – બીડની હિંસા મુદ્દે અજિત પવારની ફડણવીસ સાથે ચર્ચા

ક્વોટા કાર્યકર્તા જરાંગેએ કહ્યું કે મરાઠા સમુદાય જ્યાં સુધી મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી ચૂપ રહેશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે મૃતક મરાઠા પરિવારનો હતો.

‘જો મુખ્ય પ્રધાન એવું ન ઇચ્છતા હોય કે આ વિરોધ રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાય, તો આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને તેમને ટેકો આપનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. એવી શંકા છે કે સરકાર આરોપીઓને બચાવી રહી છે,’ એમ જરાંગેએ કહ્યું હતું.

શિવસેના (ઞઇઝ) એ ધનંજય મુંડે અને તેમના પિતરાઈ ભાઈ, ભાજપ મંત્રી પંકજા મુંડે બંનેના રાજીનામાની માગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button