દેશમુખ હત્યા કેસ: ખંડણી વસૂલવામાં જે આડે આવે તેને પતાવી નાખવાનો આદેશ કરાડે આપ્યો હતો

છત્રપતિ સંભાજીનગર: પવનચક્કી કંપની પાસેથી ખંડણી ઉઘરાવવાના પ્રયાસોને આડે જે કોઈ આવે તેને ખતમ કરી નાખવાનો કથિત આદેશ વાલ્મિક કરાડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને આપ્યો હતો.
સરપંચ દેશમુખ હત્યા કેસમાં દાખલ કરવામાં આવેલા આરોપનામા સાથે સંબંધિત એક અહેવાલને ટાંકતાં અધિકારીએ જણાવ્યું હતું કે હત્યા કેસ સાથે સંકળાયેલા બે કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી કરાડને આરોપી નંબર-1 તરીકે દર્શાવાયો છે.
ગયા વર્ષના ડિસેમ્બરમાં અપહરણ બાદ હત્યા કરવામાં આવતાં પૂર્વે દેશમુખને અનેક વાર ધમકીઓ મળી હતી.
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખની હત્યા સંબંધી ખંડણીના કેસમાં 31 ડિસેમ્બર, 2024ના રોજ કરાડની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો
આ પ્રકરણની તપાસ કરનારા સ્ટેટ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (સીઆઈડી) 27 ફેબ્રુઆરીએ 1,200 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. પોલીસે 180થી વધુ લોકોની પૂછપરછને આધારે ચાર્જશીટ તૈયાર કરી હતી.
બીડમાં ઊર્જા કંપનીને ખંડણી માટે ટાર્ગેટ કરવામાં અવરોધ રૂપ બનેલા દેશમુખની નવમી ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે બીડના કેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ પણ લગાવ્યો હતો.
આરોપનામા સાથે જોડાયેલા અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે 7 ડિસેમ્બર, 2024ના રોજ કરાડે આ કેસના આરોપી સુદર્શન ઘુલેેને ખંડણી વસૂલવામાં જે આડે આવે તેને ખતમ કરી નાખવાનું કહ્યું હતું. કરાડ સહિત અન્યોએ અવાદા કંપની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
આરોપીઓ આખા વિસ્તારમાં ‘આતંક’ ફેલાવવા માગતા હતા અને તેમના માર્ગમાં આવનારને ખતમ કરવાનું પણ તેમણે નક્કી કર્યું હતું, એવું અહેવાલમાં જણાવાયું હતું. (પીટીઆઈ)