મહારાષ્ટ્ર

સરપંચ હત્યા કેસઃ ઉજ્જવલ નિકમે સુનાવણીમાં હત્યાના હેતુની રજૂઆત કરી, આગામી સુનાવણી 10મી એપ્રિલે

છત્રપતિ સંભાજીનગરઃ બીડ જિલ્લાની કોર્ટમાં બુધવારે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે સરપંચ સંતોષ દેશમુખ હત્યાકેસના પ્રાથમિક તથ્યો તથા હત્યા પાછળનો હેતુ વગેરેની રજૂઆત કરી હતી.

આ હત્યાકેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરાયાના પ્રથમ વખતે કોર્ટમાં રજૂઆતમાં હાજર રહેલા જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે આરોપો ઘડવા માટે 10મી એપ્રિલે અરજી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવમી ડિસેમ્બરે મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ખંટણી પ્રકરણને કારણે અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમની ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

આપણ વાંચો: બીડના સરપંચની હત્યાઃ મહારાષ્ટ્ર સીઆઈડીએ કોર્ટમાં 1200 પાનાંનું રજૂ કર્યું આરોપનામું

આ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડ સહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય આરોપીઓમાં સુદર્શન ઘુલે, વિષ્ણુ ચાટે, જયરામ ચાટે, મહેશ કેદાર, સુધીર સાંગલે, પ્રતીક ઘુલે અને સિદ્ધાર્થ સોનાવણેનો સમાવેશ થાય છે.

કોર્ટમાં હત્યાનો હેતુ તથા અમુક તથ્યોની રજૂઆત કરવામાં આવી. આ સિવાય આરોપીઓના વકીલને પણ સંબંધિત દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા, એમ નિકમે જણાવ્યું હતું.

આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. સુનાવણી પહેલા નિકમ પીડિતના પરિવારના સભ્યો તથા સીઆઇડીના અધિકારીઓને મળ્યા હતા. આ કેસની આગામી સુનાવણી 10મી એપ્રિલે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button