ટાયર પંક્ચર થવાને કારણે કાર વાહન સાથે ટકરાતાં ભાઈ-બહેનનાં મોત: નવ જખમી…

નાશિક: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર નાશિક જિલ્લાના સિન્નર નજીક પૂરપાટ દોડતી કારનું ટાયર પંક્ચર થતાં કાર આગળ જઈ રહેલા ભારે વાહન સાથે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઈ-બહેને જીવ ગુમાવ્યા હતા, જ્યારે નવ જણ જખમી થયા હતા.
સિન્નર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કારને રવિવારની બપોરે અકસ્માત નડ્યો હતો. ફરદાપુર ગામ તરફ જઈ રહેલી કારનું પટોળે શિવાર નજીક એકાએક ટાયર પંક્ચર થયું હતું, જેને પગલે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
બેકાબૂ બનેલી કાર આગળ જઈ રહેલા ભારે વાહન સાથે ટકરાઈ હતી, જેમાં કારના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. કારમાં હાજર નીલેશ વિજય બુકાને (38) અને તેની બહેન વૈશાલી સચિન ઘુસાળે (35)નાં મોત નીપજ્યાં હતાં.
અકસ્માતમાં નવ જણ ઘવાયા હતા, જેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જખમીઓમાંથી આઠની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)



