અબુ આઝમીને સસ્પેન્ડ કર્યા પછી ચંદ્રકાંત પાટીલ અને બેન્ચના સભ્યોએ શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીને આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદેથી ચાલુ સત્રના અંત સુધી ઔરંગઝેબની પ્રશંસા કરનારા તેમના નિવેદનને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાનું બજેટસત્ર 26 માર્ચે પૂરું થશે.
રાજ્યના પ્રધાન ચંદ્રકાંત પાટીલે બુધવારે ગૃહમાં સસ્પેન્શનનો પ્રસ્તાવ માંડ્યો હતો. સત્તાધારી બેન્ચના સભ્યોએ કહ્યું હતું કે ઔરંગઝેબની પ્રશંસા કરવી એટલે મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન છે. મૌખિક મતદાન દ્વારા સસ્પેન્શનનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
આઝમીની ઔરંગઝેબની પ્રશંસા કરવાની ટિપ્પણી અને છત્રપતિ સંભાજી મહારાજની ટીકા કરવાનું કૃત્ય વિધાનસભાના સભ્ય તરીકેના કદને છાજતું નથી. આ વિધાનસભાની લોકશાહી સંસ્થાનું અપમાન છે, એમ પાટીલે કહ્યું હતું.
આપણ વાંચો: Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં
આઝમીના નિવેદને રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોમાં ભારે ધમાલ થઈ હતી. સત્તાધારી પક્ષના સભ્યોએ સસ્પેન્શનની અને તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માગણી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આઝમીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એવી સ્પષ્ટતા કરી હતી કે તેનું નિવેદન મારી મચડીને વ્યક્ત કરવામાં આવ્યું છે.
મેં ઔરંગઝેબ માટે જે કહ્યું તે ઈતિહાસકારો અને લેખકો દ્વારા લખવામાં આવ્યું છે. મેં શિવાજી મહારાજ કે સંભાજી મહારાજ કે પછી અન્ય કોઈ રાષ્ટ્રીય મહાપુરુષ માટે કોઈ અપમાનજનક વાત કરી નથી. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું મારું નિવેદન અને ટિપ્પણી પાછી ખેંચું છું.