સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલ નવજાત બાળકને RPFએ બચાવ્યું

નાગપુર: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ રેલવેના નાગપુર ડિવિઝનના જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રકાશનમાં જણાવાયું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા શિશુને બચાવી લેવામાં આવ્યું હતું.
સાતમી જુલાઈના રોજ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર પેટ્રોલિંગ કરતી વખતે આરપીએફ કોન્સ્ટેબલ મુસ્તાક શેખ અને યોગેશ લેકુરવાલેએ એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. બેન્ચ નીચેથી તેમને કપડામાં લપેટાયેલું ચારથી પાંચ દિવસનું બાળક મળ્યું હતું. શિશુના માતાપિતા કે કોઈ વાલી ન મળતા તેમણે તેમના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો: થાણેમાં ઘરની બહાર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી
ટૂંક સમયમાં, ચાઇલ્ડલાઇન વર્ધાના પ્રતિનિધિઓ અને કેટલાક સ્થાનિક લોકો સ્ટેશન પર પહોંચ્યા અને બાળકને આરોગ્ય તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારબાદ, ચાઇલ્ડલાઇન વર્ધાના અધિકારીઓએ વધુ સંભાળ માટે નવજાત શિશુનો કબજો લીધો, એમ પ્રકાશનમાં ઉમેરવામાં આવ્યું છે.