ઔરંગઝેબના મકબરાનો સંરક્ષિત સ્મારકનો દરજ્જો કાઢી નાખો: શિવસેના (યુબીટી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઔરંગઝેબની કબર તોડી પાડવાની વધતી માગણી વચ્ચે વિપક્ષી શિવસેના (ઞઇઝ) એ બુધવારે ભાજપ પર હુમલો કર્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક પક્ષ મોગલ સમ્રાટને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં ‘હુલ્લડો રોકવા અને કટ્ટરપંથીઓના માથા શાંત કરવા માટે’ છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબર પરથી સંરક્ષિત સ્મારકનું ટેગ દૂર કરવું જોઈએ.
પાર્ટીના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં શિવસેના (યુબીટી)એ જણાવ્યું હતું કે ‘છાવા’ ફિલ્મની રજૂઆત પછી, આરએસએસ, બજરંગ દળ, વિશ્ર્વ હિન્દુ પરિષદ અને ભાજપના ‘નવ-હિન્દુત્વવાદીઓ’ ઔરંગઝેબની કબરને મુદ્દે રાજ્યનું વાતાવરણ ગરમ કરી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં વાતાવરણને ક્લુષિત કરી રહ્યા છે.
આપણ વાંચો: ‘ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી…’ કબર તોડી પાડવાની માંગ વચ્ચે RSSનું નિવેદન
વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેમની ઔરંગઝેબ દ્વારા ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
‘હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવાજી મહારાજ કરતાં ઔરંગઝેબને વધુ મહત્વ આપે છે કારણ કે શિવાજી મહારાજની નીતિ બધાને સાથે લઈને ચાલવાની હતી, પરંતુ આ નીતિ ભૂતકાળમાં ભાજપને ક્યારેય સ્વીકાર્ય નહોતી અને અત્યારે પણ નથી,’ એમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષે આરોપ લગાવ્યો છે.
જ્યારે પ્રધાનો નફરત ફેલાવવાનો આશરો લે છે, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ છે, તેઓ ચૂપકીદી સાધી લે છે, એમ તેમાં કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: ઔરંગઝેબની કબરનો વિવાદઃ 50 લોકોને કસ્ટડીમાં લેવાયા
‘ઔરંગઝેબની કબર ઉપર ધમાલ કરવાની કોઈ જરૂર નથી. તે (ઔરંગઝેબ) તેની કબરમાં છે અને તે તેમાંથી બહાર આવવાના નથી,’ એમ તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય રિઝર્વ પોલીસ દળ (એસઆરપીએફ) હાલમાં છત્રપતિ સંભાજીનગર (અગાઉ ઔરંગાબાદ તરીકે ઓળખાતું)માં ઔરંગઝેબની કબરને સંરક્ષણ આપી રહ્યું છે કારણ કે તે ભારતીય પુરાતત્વ ખાતાનું સંરક્ષિત સ્મારક છે.
આપણ વાંચો: ઔરંગઝેબને મદદ કરનારા એ શ્રીમંત ગુજરાતી વેપારી પાસે કેટલી હતી સંપત્તિ?
‘કેન્દ્ર સરકારે મકબરાને આપવામાં આવેલ રક્ષણ અને સંરક્ષિત સ્મારક સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવો જોઈએ જેથી જમીન મુક્ત થાય અને તણાવમાં વધુ વધારો થવાની કોઈ શક્યતા ન રહે,’ એમ તેમાં કહેવામાં આવ્યું છે. ‘આનાથી રમખાણો અટકશે અને કટ્ટરપંથીઓના માથા શાંતિ પામશે,’ એમ તેમાં કહેવામાં આવ્યું છે.
સેના (યુબીટી)એ કહ્યું કે ભાજપ કે આરએસએસ છત્રપતિ શિવાજી કે છત્રપતિ સંભાજીને વૈચારિક પ્રતીકો માનતા નહોતા અને એવો દાવો કર્યો હતો કે ભાજપ છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજીનું મહત્વ ઘટાડવા માંગે છે.
ભાજપનો ઉદ્દેશ પહેલા ઔરંગઝેબને ખતમ કરવાનો છે કારણ કે એકવાર ‘ખલનાયક’ ખતમ થઈ જાય, પછી છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજી જેવા નાયકોને ભૂલાવી દેવાનું સરળ છે, એમ તેમાં જણાવવામાં આવ્યું હતું.