મહારાષ્ટ્ર

વિલાસરાવની ‘યાદો ભૂંસી નાખવા’ અંગેના ચવ્હાણના નિવેદન રિતેશ દેશમુખની પ્રતિક્રિયા! જાણો શું કહ્યું…

મુંબઈ: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અંગે નિવેદન આપીને ભાજપના રાજ્ય પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે વિવાદ ઉભો કર્યો છે, જેને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. લાતુરમાં એક જાહેર સભા દરમિયાન ચવ્હાણે કહ્યું કે વિલાસરાવ દેશમુખની તમામ સ્મૃતિઓ લાતુરમાંથી ભૂંસી નાખવામાં આવશે. કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા બાદ હવે વિલાસરાવના દીકરા બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે પણ પ્રતિક્રિયા આપી છે.

નોંધનીય છે કે લાતુર વિલાસરાવ દેશમુખનું વતન છે. રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે તેમના પિતાનો વારસો લોકોના હૃદયમાં અતૂટ છે. તેમની યાદો બહારનો કોઈ પણ વ્યક્તિની ભૂંસી શકે નહીં.

ચવ્હાણે સભામાં શું કહ્યું?
ગઈ કાલે લાતુરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા ચવ્હાણે કહ્યું, “તમારો ઉત્સાહ જોઈને, હું ખાતરીપૂર્વક કહી શકું કે આ શહેરમાંથી વિલાસરાવ દેશમુખની તમામ યાદો ભૂંસાઈ જશે.”

ચવ્હાણની આ ટીપ્પણી પર ભાજપના કાર્યકર્તાઓએ તાળીઓ પાડી. આ સભા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા પણ લાગવવામાં આવ્યા.

ચવ્હાણના નિવેદનની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોંગ્રેસ તરફથી આકરી પ્રતિક્રિયા આપવા આવી. કોંગ્રેસના નેતાઓએ ચવ્હાણની ટીકા કરી અને તેમના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું.

રિતેશ દેશમુખે શું કહ્યું?
હવે વિલાસરાવના દીકરા બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે પણ ભાવુક સંદેશ સાથે પ્રતિક્રિયા આપી. રિતેશે એક વિડીયો શેર કરીને મરાઠી ભાષામાં કહ્યું , “બંને હાથ જોડીને કહું છું કે જે વ્યક્તિ લોકો માટે કામ કરે છે તેનું નામ લોકોના મનમાં કોતરાયેલું રહે છે. જે લખ્યું છે તે ભૂંસી શકાય છે, પરંતુ મનમાં કે કોતરાયેલું હોય છે તેને નહીં. જય મહારાષ્ટ્ર.”

રિતેશનું નિવેદન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે, વિલાસરાવના બીજા દીકરા અમિત દેશમુખે પણ ચવ્હાણને જવાબ આપ્યો છે.

આ પણ વાંચો…સલમાન ખાને રિતેશ દેશમુખ માટે બનાવી સ્પેશિયલ ભેલ, વીડિયો જોઇને ફેન્સે કહ્યું કે…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button