મહારાષ્ટ્ર પર ફરી સંકટઃ આવતીકાલથી તોફાની વરસાદની આગાહી, જાણો મુંબઈનું હવામાન કેવું રહેશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર પર ફરી સંકટઃ આવતીકાલથી તોફાની વરસાદની આગાહી, જાણો મુંબઈનું હવામાન કેવું રહેશે

મુંબઈ: દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે, લોકો ગુલાબી ઠંડી પાડવાની રાહ જોઈ રહ્યા છે, પણ દેશના કેટલાક ભાગમાંથી હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ દિવાળી પહેલા વરસાદ પડવાની શક્યતા છે, હવામાન વિભાગના જણવ્યા મુજબ આવતી કાલ એટલે કે 15 ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 18 ઓક્ટોબર દરમિયાન વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ દક્ષિણપશ્ચિમ ચોમાસુ સમાપ્ત થઇ ગયું છે, પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેસર એરિયાને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.

ખેડૂતોની ચિંતા વધી:

ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે વિદર્ભ અને મરાઠવાડામાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે લણણી માટે તૈયાર પાકને નુકસાન પહોંચ્યું હતું. હવે ફરીથી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કૃષિ વિભાગે ખેડૂતોને સતર્ક રહેવા અને પાકને સુરક્ષિત રાખવાની તૈયારી કરવા સલાહ આપી છે. કૃષિ વિભાગે ખેડૂતોને જણાવ્યું કે લલણી થઇ ગયેલા અનાજ અને કઠોળના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો, જેથી નુકશાનથી બચી શકાય.

હવામાન વિભાગે નિયમિતપણે અપડેટ્સ ચેક કરતા રહેવા ખેડૂતોને સલાહ આપી છે.

મુંબઈમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે મુંબઈમાં આજે આકાશ સ્વચ્છ રહેશે, આવતી કાલે બુધવારે પણ તડકો ખીલેલો રહેશે. ગુરુવાર અને શુક્રવારે મધ્યમ વરસાદ પડી શકે છે. શનિવારે વાદળો હટી જશે અને રવિવારે ફરી સ્વચ્છ હવામાન જોવા મળશે.

અઠવાડિયા દરમિયાન શહેરમાં તાપમાન 25°C અને 32°C વચ્ચે રહેશે. વરસાદ દરમિયાન ભેજનું સ્તર થોડું વધારે રેહી શકે છે, વરસાદને કારણે પ્રદુષણના સ્તરમાં ઘટાડો થશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button