લક્ષ્મી પૂજામાં વરસાદનું વિઘ્ન: આ શહેરોમાં આજે વરસાદની રી-એન્ટ્રી
મુંબઇ: શુક્રવારે મુંબઇ સહિત થાણેમાં થયેલા વરસાદે લોકોની દિવાળીની શોપીંગની મજા બગાડી હતી ત્યાં હવે આજે લક્ષ્મીપૂજાના દિવસે રાજ્યમાં કમોસમી વરસાદની હાજરી પુરાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે કોકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. રત્નાગિરી, કોલ્હાપૂર, સાતારા અને સિંધુદર્ગ આજ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમીયાન કોકણ, પુણે, સાતારા આ જિલ્લાઓમાં શનિવારે પણ વરસાદ થયો હતો જ્યારે કેટલાંક સ્થળોએ વાદળછાયું વાતાવરણ હતું.
ગોવા, કેરળ, તામીલનાડુ સહિત દેશની રાજધાની દિલ્હીમાં પણ દિવાળી ટાંણે જ વરસાદે હાજરી પૂરાવી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાથી મોનસૂનને અનુકૂળ પરિસ્થિતી નિર્માણ થવાથી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. મુંબઇ અને થાણેના કેટલાંક વિસ્તારોમાં શનિવારે ઝરમર વરસાદ થયો હતો.
આખા દેશમાં ગુલાબી ઠંડી પડી રહી છે. જોકે કટેલાંક વિસ્તારોમાં તડકો અને વરસાદની રમત ચાલી રહી છે. મહારાષ્ટ્ર સહિત દિલ્હીમાં વરસાદની હાજરી જોવા મળી છે. મુંબઇ સહિત દિલ્હીમાં શુક્રવારે થયેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આગામી કેટલાંક દિવસો સુધી વાતાવરણ ઠંડુ રહેશે. આઇએમડી દ્વારા આજે ઉત્તરાખંડમાં વરસાદ અને બરફ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ અને બરફ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.