સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પછી પુણેમાં તોફાન...

સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પછી પુણેમાં તોફાન…

ટોળાએ બૅકરીમાં તોડફોડ કરી બાઈકને આગ ચાંપતાં તંગદિલી: પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગૅસના શેલ છોડ્યા: ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

પુણે: પુણેના દૌંડ તાલુકામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અપમાન કરવાની ઘટના બાદથી ફેલાયેલી તંગદિલી વચ્ચે સોશ્યલ મીડિયા પરની એક વાંધાજનક પોસ્ટને કારણે શુક્રવારે દૌંડ તાલુકાના યવત ગામમાં તોફાન ફાટી નીકળ્યું હતું. રસ્તા પર ઊતરેલા ટોળાએ પથ્થરમારો અને બૅકરીમાં તોડફોડ કરી બાઈકને આગ ચાંપી હતી તો ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટિયર ગૅસના શેલ્સનો ઉપયોગ કર્યો હતો. ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પુણે ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે ગામની બહારના એક રહેવાસીએ વૉટ્સઍપ પર વાંધાજનક પોસ્ટ મૂકી હતી, જેને પગલે આ ભડકો થયો હતો. યવત પોલીસે પોસ્ટ મૂકનારા એ યુવાનને તાબામાં લીધો હતો.

ગિલે જણાવ્યું હતું કે અગાઉની અમુક ઘટનાઓને પગલે ગામમાં પહેલેથી જ તંગદિલીભર્યું વાતાવરણ હતું. એવામાં યુવાનની પોસ્ટ વાયરલ થતાં જ ગામવાસીઓ ભડક્યા હતા, જેને પગલે તોફાન થયું હતું. યુવાનના સમુદાય સાથે જોડાયેલા ગામવાસીઓની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તાબામાં લેવાયેલા યુવાન વિરુદ્ધ પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ યવત ગામના એક મંદિરમાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અપમાન કરવાની ઘટના 26 જુલાઈએ બની હતી. તે સમયથી ગામવાસીઓમાં રોષ ફેલાયો હતો, જેને પગલે તંગદિલી જેવું વાતાવરણ હતું.
ગામમાં રહેતા બન્ને સમુદાયના લોકોએ બહારથી આવીને ગામમાં વસેલા અમુક લોકોનો વિરોધ કર્યો હતો.

કહેવાય છે કે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા અને તોડફોડ કરી હતી. રસ્તાની વચ્ચે એક બાઈકને આગ ચાંપવામાં આવી હતી. ટોળાને કાબૂમાં લેવા વધારાની પોલીસ બોલાવાઈ હતી. લાઠીચાર્જ અને ટિયર ગૅસના શેલ્સ છોડવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી પછી વાતાવરણ શાંત હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button