મહારાષ્ટ્ર

પુણેમાંના ૧૧૧ પાકિસ્તાનીને તત્કાળ ભારત છોડવા આદેશ

પુણે: પુણે વહીવટીતંત્રે જિલ્લામાં રહેતા ૧૧૧ પાકિસ્તાની નાગરિકની ઓળખ કરી હતી અને તેમને ૨૭મી એપ્રિલ સુધી ભારત છોડી દેવાનો નિર્દેશ કર્યો હતો.

પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે જેના હેઠળ ઉક્ત આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં મેડિકલ વિઝાને વધુ બે દિવસનો સમય વધારી આપવામાં આવ્યો છે.

આપણ વાંચો: પહેલગામ હુમલાનો જવાબ, “સિંધુ જળ સમજૂતી મોકૂફ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે…

પાકિસ્તાની નાગરિકો વિશેની માહિતી પાસપોર્ટ ઓફિસ સહિત સંબંધિત વિભાગો પાસેથી મેળવવામાં આવી હતી. અત્યાર સુધી પુણે જિલ્લામાં ૧૧૧ પાકિસ્તાની નાગરિકની ઓળખ કરવામાં આવી છે. તેઓ દરેકને જણાવી દેવામાં આવ્યું છે કે ૨૭મી એપ્રિલ સુધી તેમને દેશ છોડી દેવો પડશે, એમ પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જિતેન્દ્ર દુડીએ પત્રકારોને જણાવ્યું હતું.

પર્યટન, તબીબી સારવાર સહિત વિવિધ કારણો માટે વિઝા આપવામાં આવ્યા હતા. જેઓને મેડિકલ વિઝા આપવામાં આવ્યા છે તેમને વધુ બે દિવસ એટલે કે ૨૯મી એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ દરમિયાન છત્રપતિ સંભાજીનગરમાં પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ૫૭ પાકિસ્તાની નાગરિકને લાંબાગાળાના વિઝા (લોન્ગ ટર્મ વિઝા-એલટીવી) આપવામાં આવ્યા છે. કલેક્ટર કાર્યાલય વધુ આદેશની રાહ જોઇ રહ્યું છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button