મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે જૈન ટ્રસ્ટની મિલકત બિલ્ડરને વેચવાનો દસ્તાવેજ રદ કરવાનો આદેશ આપ્યો

પુણે : મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે ગુરુવારે પુણેમાં જૈન ટ્રસ્ટની માલિકીની એક મિલકત જેનો છેલ્લા કેટલાક દિવસોથી સમાજ દ્વારા વિરોધ થઇ રહ્યો છે,બિલ્ડરને ન વેચવાનો આદેશ આપ્યો છે.
બાંધકામ કંપની ગોખલે લેન્ડમાર્ક્સ એલએલપી અને સેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટે મોડેલ કોલોનીમાં ૩.૫ એકર મિલકત સંબંધિત વેચાણ દસ્તાવેજ રદ કરવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હાલમાં બોર્ડિંગ અને જૈન મંદિર છે. ચેરિટી કમિશનરે એપ્રિલ ૨૦૨૫ ના તેના આદેશને રદ કર્યો હતો જેમાં સેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટને ગોખલે લેન્ડમાર્ક્સ સાથે કરાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાથે ટ્રસ્ટીઓને સંપૂર્ણ રકમ ગોખલે લેન્ડમાર્ક્સને પરત કરવાનો આદેશ આપ્યો હતો.
આ મિલકત પૂણે સ્થિત ગોખલે લેન્ડમાર્ક્સ એલએલપી દ્વારા આ વર્ષની શરૂઆતમાં સેઠ હીરાચંદ નેમચંદ મેમોરિયલ ટ્રસ્ટ પાસેથી ૩૧૧ કરોડમાં હસ્તગત કરવામાં આવી હતી, જેમાંથી રૂ. ૨૩૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા જ્યારે બાકીની રકમ હોસ્ટેલના પુનર્વિકાસ માટે હતી. ચેરિટી કમિશનરે ગયા અઠવાડિયે વ્યવહાર પર યથાવત સ્થિતિનો આદેશ આપ્યો હતો.
જૈન સમુદાયના સભ્યોએ પુણે અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેમાં ટ્રસ્ટીઓ પર ડેવલપરની તરફેણ કરવાનો અને સોદો આગળ વધારતી વખતે ચેરિટેબલ જમીનને લગતા ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભૂતપૂર્વ ધારાસભ્ય અને શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે આ વ્યવહારમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલની સંડોવણીનો આરોપ લગાવતા આ વિવાદે રાજકીય વળાંક લીધો હતો, જેને બાદમાં તેમણે નકારી કાઢ્યો હતો.



