મહારાષ્ટ્ર

ચોમાસા પૂર્વે પુણે એરપોર્ટની હાલત ખરાબ: કમોસમી વરસાદથી પ્રવાસીઓ મુશ્કેલીમાં

માત્ર એક કલાકના વરસાદમાં પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પાણી પાણી ; IMD એ એલર્ટ જારી કર્યું

પુણેઃ હજુ ચોમાસાના આગમન માટે થોડા દિવસો બાકી છે, ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અમુક શહેરોમાં કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ગઈકાલે પડેલા પુણે જિલ્લામાં કમોસમી વરસાદને કારણે એરપોર્ટ પણ બાકાત રહી શક્યું નહોતું. પુણે શહેરમાં માત્ર એક કલાકના વરસાદમાં પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બધા દરવાજા પાસે પાણી ભરાઈ ગયા છે.

જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુણે એરપોર્ટ પર પાણી ભરાવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પુણે એરપોર્ટના એક્ઝિટ ગેટ પાસેનો ચેમ્બર સંપૂર્ણપણે ભરાઈ ગયેલા જોઈ શકાય છે. માત્ર એક કલાકના વરસાદમાં આવી હાલત છે, તો ચોમાસુ શરૂ થશે ત્યારે શું હાલત થશે તે વિચારવું રહ્યું.

આપણ વાંચો: મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદનું આગમન

સોમવારે પુણેના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. રાત્રે 9:45 વાગ્યા સુધીમાં પુણેના લોહેગાંવમાં સૌથી વધુ 39.8 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી સમગ્ર પ્રદેશમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 20 મેના રોજ પણ ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે 21 મે થી 25 મે દરમિયાન બપોર અને સાંજના સમયે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આપણ વાંચો: મુંબઈગરાને વિશેષ સવલત:ફક્ત ૨૨ ટકા પાણી હોવા છતાં પાણીકાપ નહીં…

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી અઠવાડિયું ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના નાશિક, પુણે, અહિલ્યાનગર, કોલ્હાપુર અને સતારા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જયારે રત્નાગિરિમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે સાથે વીજળી પડવાની શક્યતા છે.

પરાંત, મુંબઈ માટે યલો એલર્ટ અને અહમદનગર, સોલાપુર અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે મધ્યમ વાવાઝોડા સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button