મહારાષ્ટ્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતમાં મહાયુતિના વિધાનસભ્યોને મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારના વિધાનસભ્યોને મળવાના છે. તેઓ વિધાનસભા ભવનમાં ભાજપ, શિવસેના અને એનસીપીના 230 વિધાનસભ્યને સંબોધિત કરે તેવી શક્યતા છે.

ભાજપના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન 15 જાન્યુઆરીએ તેમની મુલાકાત દરમિયાન મહાયુતિના વિધાનસભ્યોને સંબોધિત કરશે. ત્યારબાદ લંચ થશે. પાર્ટીએ બુધવારે બધા વિધાનસભ્યોને મુંબઈમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

વડા પ્રધાન રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના નાયબ એકનાથ શિંદે અને અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મુંબઈની મુલાકાત લીધી હતી.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…

સત્તાવાર રીતે, વડા પ્રધાન બુધવારે સવારે 10.30 વાગ્યે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકા, આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીરનું કમિશનિંગ કરશે. બપોરે 3.30 વાગ્યે તેઓ નવી મુંબઈના ખારઘરમાં નવ એકરમાં ફેલાયેલા ઇસ્કોન પ્રોજેક્ટ શ્રી રાધા મદનમોહન મંદિરનું ઉદ્ઘાટન કરશે.

વિધાનસભ્ય સાથેની તેમની મુલાકાત બે સત્તાવાર કાર્યક્રમો વચ્ચે હશે. ભાજપના એક સિનિયર કાર્યકર્તાએ એવી માહિતી આપી હતી કે, આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હશે જેમાં મોદી મહાયુતિના વિધાનસભ્યો સાથે ચર્ચાસત્ર યોજશે.

દિલ્હીમાં વડા પ્રધાન ઘણીવાર સંસદસભ્યો સાથે ચર્ચા કરે છે, જ્યારે દેશભરના રાજ્યના નેતાઓ પણ રાજધાનીમાં તેમને મળતા રહેતા હોય છે. જોકે, રાજ્યના વિધાનસભ્યો સાથે વડા પ્રધાનનું સત્ર યોજવું અનોખું છે.

આપણ વાંચો: 10 વર્ષમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનશે દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે…

નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવનારા અનેક પરિબળોમાં પીએમ મોદીની કેચલાઇન – એક હૈ, તો સેફ હૈ (જો આપણે એક થઈશું, તો આપણે સુરક્ષિત રહીશું) હતી. જેને વાસ્તવિક ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી હતી.

મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાથી અને મહારાષ્ટ્ર એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે જે મહત્તમ વિદેશી રોકાણ મેળવે છે, આ પ્રદેશ કેન્દ્રીય નેતૃત્વ માટે વિશેષ મહત્વ ધરાવે છે.

સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના મોટા પ્રોજેક્ટ્સ અને રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ છે. વડા પ્રધાને ભારતીય અર્થતંત્રને વૈશ્ર્વિક પાંચમાથી ત્રીજા સ્થાને પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, ત્યારે મહારાષ્ટ્ર એક મહત્વપૂર્ણ ઘટક બની રહેશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, ‘વિકસિત ભારત-2047’નું તેમનું સ્વપ્ન વિકસિત મહારાષ્ટ્ર વિના વાસ્તવિકતા બની શકશે નહીં.

આપણ વાંચો: નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ

લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા, પીએમ મોદીએ મેટ્રો રેલ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, કોસ્ટલ રોડ વગેરે સહિતના તમામ મેગા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે એક ડઝનથી વધુ વખત મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી.

હવે આગામી દિવસોમાં રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી હોવાથી રાજ્યમાં વિધાનસભ્યોને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button