મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ

પુણે/સાતારા: સાતારા જિલ્લામાં સરકારી હૉસ્પિટલની મહિલા ડૉક્ટરની આત્મહત્યાના ચકચારી કેસમાં પોલીસે શનિવારે સબ-ઈન્સ્પેક્ટર ગોપાલ બદાનેની ધરપકડ કરી હતી.
જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તુષાર દોશીએ જણાવ્યું હતું કે બદાનેએ શનિવારની સાંજે સાતારાના ફલટણ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાચો: સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ
આ કેસમાં શનિવારની સવારે જ ફલટણ પોલીસ સ્ટેશનની ટીમે મકાનમાલિકના સૉફ્ટવેર એન્જિનિયર પુત્ર પ્રશાંત બનકરની પણ ધરપકડ કરી હતી. મહિલા ડૉક્ટરે આત્મહત્યા પૂર્વે તેની હથેળીમાં બદાને સહિત બનકરનું પણ નામ લખીને આક્ષેપ કર્યો હતો.
મહિલા ડૉક્ટરને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો બનકર પર આરોપ છે. શનિવારે તેને સાતારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કરાયો હતો. અદાલતે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
મરાઠવાડાના બીડ જિલ્લાની ડૉક્ટર સાતારા જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં નોકરી કરતી હતી. ગુરુવારની રાતે ફલટણ શહેરની એક હોટેલની રૂમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આપણ વાચો: ‘આ ઇન્સ્ટીટયુશનલ મર્ડર છે’ મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર
ડૉક્ટરે હથેળીમાં લખેલી નોંધમાં સબ-ઈન્સ્પેક્ટર બદાનેએ અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો, જ્યારે સૉફ્ટવેર એન્જિનિયર બનકરે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ડૉક્ટર જ્યાં રહેતી હતી તે મકાનમાલિકનો પુત્ર છે બનકર.
ડૉક્ટરના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેની કામ કરવાની શૈલી માટે પોલીસ અધિકારી દ્વારા ધમકી આપવામાં આવતી હતી. એ સિવાય બીડની ગુનાખોરીને લઈ તેને ટોણા મારવામાં આવતા હતા.
મહિલાના બે કઝિન પર ડૉક્ટર છે. તેમણે આક્ષેપ કર્યા હતા કે માત્ર સતામણી કરવાને ઇરાદે હૉસ્પિટલ પ્રશાસન દ્વારા તેને પોસ્ટમોર્ટમની ડ્યૂટી સોંપતું હતું. (પીટીઆઈ)



