PM Modi રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઇન કરશે ઉદ્ધાટન
પુણે: મુંબઈ-પુણેમાં પડેલા ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર અસર પડી હતી. પીએમ મોદીએ ગુરુવારે પુણે મેટ્રોનું ઉદ્ધાટન કરવાનું મોકૂફ રાખ્યા પછી હવે ફરી એક વાર પીએમ મોદી રવિવારે પુણે મેટ્રોનું ઓનલાઈન ઉદ્ધાટન કરશે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.
29 સપ્ટેમ્બરના રવિવારે અહીંના શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સ્વારગેટ વચ્ચે મેટ્રો લાઇનનું વર્ચ્યુઅલ ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે, એમ સ્થાનિક સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે જણાવ્યું છે.
આ કોરિડોરનું ઉદઘાટન કરવા ઉપરાંત પીએમ મોદી રવિવારે સ્વારગેટ – કાત્રજ મેટ્રો પટ્ટાનો શિલાન્યાસ પણ કરશે એમ રાજ્ય કક્ષાના નાગરિક ઉડ્ડયન અને સહકાર પ્રધાને જણાવ્યું હતું.
આપણ વાંચો: મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીનો કોરિડોર અને મેટ્રો તૈયાર, જોઈ લો ફર્સ્ટ લૂક
પુણેમાં ભારે વરસાદને કારણે પીએમ મોદીની ગુરુવારે પુણેની મુલાકાત રદ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ મેટ્રો કોરિડોરને લીલી ઝંડી આપી વડાપ્રધાન 22 હજાર 600 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના હતા.
ગુરુવારે વડા પ્રધાનની પુણે મુલાકાત રદ થયાના કલાકો પછી એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ અને બારામતીનાં સંસદ સભ્ય સુપ્રિયા સુળેએ સૂચવ્યું હતું કે મોદીએ ભૂતકાળમાં પાંચ વખત આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હોવાથી આ વખતે મેટ્રો લાઈનનું ઉદઘાટન તેમણે ઓનલાઇન કરવું જોઈએ.
જોકે સુપ્રિયાના સાથી અને પુણે એનસીપી (એસપી)ના અધ્યક્ષ પ્રશાંત જગતાપે આક્રમક ભૂમિકા અપનાવી ચેતવણી આપી હતી કે જો સરકાર ઉદઘાટન નહીં કરે તો મહા વિકાસ અઘાડી (એમવીએ)ના નેતાગણ શુક્રવારે જનહિતમાં સિવિલ કોર્ટ – સ્વારગેટ મેટ્રો લાઇન શરૂ કરી દેશે.
(પીટીઆઈ)