પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી 21 વર્ષે પકડાયો

પાલઘર: વિરારમાં પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે છેક 21 વર્ષે આરોપીને મુંબઈના ધારાવી પરિસરમાંથી પકડી પાડ્યો હતો. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે ધરપકડથી બચવા આરોપી પોતાની ઓળખ બદલીને ધારાવીમાં રહેતો હતો. આવશ્યક પ્રક્રિયાને કારણે હાલ આરોપીનું નામ જાહેર કરી શકાય નહીં.
અધિકારીના જણાવ્યા મુજબ 56 વર્ષનો આરોપી તે સમયે 40 વર્ષની પત્ની અને સાવકી પુત્રી સાથે વિરારમાં રહેતો હતો. આરોપી વારંવાર સાવકી દીકકરી પર બળાત્કાર ગુજારતો હતો, જેને કારણે તે ગર્ભવતી બની હતી. આ બાબતે પત્નીએ પૂછપરછ કરી આરોપીને સાથે રહેવાનો ઇનકાર કરતાં તે રોષે ભરાયો હતો.
આપણ વાંચો: કહેવાતા પત્રકાર અને એક્ટિવિસ્ટ બ્લેકમેઈલિંગ અને દુષ્કર્મના કેસમાં પકડાયા
19 મે, 2004ની રાતે આરોપીએ પત્નીની બેરહેમીથી પીટાઈ કરી હતી. ચંપલથી માર્યા પછી તેનું માથું જમીન પર પટક્યું હતું, જેને પગલે પત્નીનું મૃત્યુ થયું હતું. સાવકી પુત્રીની ફરિયાદને આધારે પોલીસે હત્યા અને બળાત્કારની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પત્નીની હત્યા પછી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ અત્યાર સુધી તેને શોધી શકી નહોતી. તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના ઈન્સ્પેક્ટર સમીર અહિરરાવને આરોપીને શોધી કાઢવાનો આદેશ વરિષ્ઠ અધિકારીએ આપ્યો હતો. અહિરરાવની ટીમે ફરિયાદી અને સાક્ષીઓની ફરી પૂછપરછ કરતાં આરોપી ટ્રક ડ્રાઈવર હોવાનું જણાયું હતું.
આપણ વાંચો: લગ્નની લાલચ આપીને અમદાવાદમાં રાજકોટની યુવતી પર દુષ્કર્મ કર્યું…
ફરાર થયા પછી તે ઓળખ બદલીને ગુજરાત, હૈદરાબાદ સહિત અન્ય સ્થળોએ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. 21 વર્ષ જૂની તસવીરને આધારે પોલીસે આરોપીને ધારાવી પરિસરમાંથી શોધી કાઢ્યો હતો. (પીટીઆઈ)