મહારાષ્ટ્રમાં સરકારી જમીન પર હોર્ડિંગ માટે ઓનલાઈન લિલામ
હોર્ડિંગ લગાવવા માટે ઈ-લિલામ પ્રક્રિયાથી પારદર્શિતા આવશે

મુંબઈ: સરકારે રાજ્યના મોટા શહેરોમાં ખુલ્લી સરકારી જમીનો પર જાહેરાત બોર્ડ (હોર્ડિંગ) બેસાડવા અંગે ધારાધોરણ નક્કી કર્યા છે. આ ધોરણ અનુસાર જિલ્લાના તમામ શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારો અને રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જાહેરાત બોર્ડ ઉભા કરવા માટે ઈ – લિલામ કરવામાં આવશે. લિલામમાં સૌથી ઊંચી બોલી બોલનારને પાત્ર ઠેરવી તેની સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે.
અત્યારે રાજ્યના વિવિધ ભાગોમાં કેટલીક શરતો પર સરકારી જમીન પર એડવર્ટાઇઝિંગ બોર્ડ લગાવવાની મંજૂરી આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકારે હવે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને એ અંગેની જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે.
એના અનુસાર યોગ્ય સરકારી જમીન શોધવાની, તેમના સરકારી પ્રતિનિધિ દ્વારા સાઇટનું નિરીક્ષણ કરીને એડવર્ટાઇઝિંગ બોર્ડ માટે જગ્યા નક્કી કરવાની અને કેટલી જગ્યા ફાળવવી એ નક્કી કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટરની રહેશે.
ત્યાર બાદ ઈ – લિલામ શરૂ કરવામાં આવશે. લિલામની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સૌથી વધુ બોલી બોલનાર કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ માટે જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકારના નિર્ણયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિન્યૂઅલ સમયે સંસ્થા સામે કોઈ ફરિયાદ કે કાર્યવાહી પેન્ડિંગ નથી એની ખાતરી કર્યા પછી ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવશે. લિલામમાં ભાગ લેનારી વ્યક્તિ અથવા સંસ્થા મહારાષ્ટ્રનો રહેવાસી હોવો જોઈએ અને મહારાષ્ટ્રમાં એનું રજિસ્ટ્રેશન થયું હોવું જોઈએ એ આવશ્યક છે.