વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે વિપક્ષને ખબર હોવી જોઈએ કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે સંખ્યાબળ હોવું આવશ્યક છે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેને પણ આ જાણકારી હોવી જોઈએ.
રાજ્યના પ્રધાનમંડળમાં સામાજિક ન્યાય ખાતાનો પદભાર સંભાળતા શિરસાટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે તેમના ખાતાની ફાળવણીમાં 7,000 કરોડ રૂપિયાનો કાપ મૂક્યો છે. આ મુદ્દો તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ પણ ઉઠાવ્યો છે.
રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ થયું ત્યારથી શિવસેના (યુબીટી) વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ માગી રહ્યું છે અને તેમણે વિધાનસભ્ય ભાસ્કર જાધવને આને માટે નામનિર્દેશિત કર્યા હતા. આ બાબતનો પત્ર તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આપ્યો હતો.
આપણ વાંચો: શિવસેના (યુબીટી) અને ભાજપ એક થવાની કોઈ શક્યતા નથી: શિરસાટે કર્યો દાવો
ઉદ્ધવ ઠાકરેએ એવો આગ્રહ રાખ્યો હતો કે વિધાનસભાનું સત્ર પુરું થાય તે પહેલાં આ બાબતનો નિર્ણય લેવામાં આવે.
બીજી તરફ મહાવિકાસ આઘાડીના અન્ય ઘટકપક્ષ એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પણ વિપક્ષીનેતાપદ પર દાવો માંડ્યો હતો અને એવી માગણી કરી હતી કે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષો શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કૉંગ્રેસ વચ્ચે વિપક્ષીનેતાપદ વહેંચી નાખવું ત્રણેય પક્ષને 18 મહિના માટે આ પદ મળવું જોઈએ.
આના પર વિધાનસભાના સત્રમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. રાજ્ય વિધાનસભાના વિપક્ષીનેતાપદ માટે કુલ બેઠકોની ઓછામાં ઓછી 10 ટકા બેઠકો હોવી આવશ્યક છે.
જ્યારે પત્રકારોએ આ મુદ્દે શિરસાટને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે, તેમને ખબર હોવી જોઈએ કે વિપક્ષી નેતાપદ માટે સંખ્યાબળ આવશ્યક છે.
જો તેઓ કશું માગી રહ્યા હોય તો માગવાની આ રીત નથી. જો તેમને લડીને વિપક્ષી નેતાપદ લેવું હોય તો તેમની પાસે વિધાનસભ્યોની સંખ્યાના સ્વરૂપમાં તાકાત હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.