‘સરકારી મશીનરી નકામી હોય છે’ નાગપુરમાં ગડકરીના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો | મુંબઈ સમાચાર

‘સરકારી મશીનરી નકામી હોય છે’ નાગપુરમાં ગડકરીના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

નાગપુર: સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં આપેલું નિવેદન હાલ ચર્ચાના કેન્દ્ર(Nitin Gadkari statement in Nagpur)માં છે. શનિવારે જાહેરમાં આપેલા એક નિવેદનમાં ગડકરીએ સરકારી પ્રણાલીઓને ‘નકામી’ ગણાવી હતી, આ નિવેદનને કારણે રાજકીય અટકળો શરુ થઇ છે.

નાગપુરના સુરેશ ભટ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) અને NIT જેવી નાગરિક અને વહીવટી સંસ્થાઓ પર પ્રહારો કરતા કહ્યું કે તેઓ માત્ર “ચાલતા વાહનને પંચર” કરવાનું કામ કરી રહ્યા છે.

વિદર્ભ એડવેન્ચર એસોસિએશન દ્વારા આયોજિત ‘સ્પોર્ટ્સ એઝ અ કરિયર’ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા નીતિન ગડકરીએ કહ્યું, “નાગપુરમાં સ્પોર્ટ્સ માટે 300 સ્ટેડિયમ બનાવવાની મારી ખૂબ ઇચ્છા છે. પરંતુ ચાર વર્ષના અનુભવ પછી, મને સમજાયું કે સરકારી મશીનરી ખૂબ જ ‘નકામી’ હોય છે, જો આપણે કોર્પોરેશનો અને NIT પર આધાર રાખીને કોઈ કામ થઈ શકે નહીં.”

આપણ વાંચો:  ‘હિંજેવાડી IT પાર્ક બરબાદ થઈ રહ્યો છે’ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન અજિત પવારે ગુસ્સો ઠાલવ્યો

ગડકરીએ સ્થાનિક વહીવટી તંત્ર પર પ્રહાર કરતા કહ્યું, “તેમની પાસે ચાલતા વાહનમાં પંચર કરવાની કુશળતા છે. એટલા માટે આપણે કામ પૂરું કરવા માટે બીજા રસ્તાઓ શોધવાની જરૂર છે.”

નિવેદનમ ગડકરીએ દુબઈનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું ” દુબઈમાં ખાનગી ઓપરેટર સ્ટેડિયમનું સંચાલન કરે છે. હવે નાગપુરમાં પણ એક પ્રોજેક્ટ દુબઈના સંચાલકને સોંપવામાં આવ્યો છે. સરકાર જમીન, પાણી અને મૂળભૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે, પરંતુ સુવિધા ચલાવવા અને જાળવણી કરવાની જવાબદારી તેની રહેશે”

ગડકરીના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારમાં વરિષ્ઠ પ્રધાન તરીકે ગડકરીએ સરકારી એજન્સીઓની જ જાહેરમાં ટીકા કરતા ચર્ચાનો માહોલ ગરમ થયો છે. કેટલાક લોકો ગડકરીની પ્રશંસા કરી રહ્યા છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button