નાલાસોપારામાં સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશીની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં ગેરકાયદે વસવાટ કરનારી સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશી નાગરિકની પોલીસે ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) જયંત બજબલેએ કહ્યું હતું કે નાલાસોપારાના ધાનીવબાગમાં ગાંગડી પાડા વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓ પકડાયા હતા. 27થી 45 વર્ષની વયના બાંગ્લાદેશીઓ પાસેથી કોઇ દસ્તાવેજો મળી આવ્યા નહોતા.
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં બાંગ્લાદેશી શરીફુલ ફકીરની ધરપકડ કરાયા બાદ પોલીસે હવે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધની કાર્યવાહી તેજ કરી છે.
આપણ વાંચો: મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
નાલાસોપારાથી પકડાયેલા બાંગ્લાદેશીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પશ્ર્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના હકીમપુર ગામ થઇને ભારતમાં પ્રવેશ્યા હતા અને બાદમાં મુંબઇ જતી ટ્રેન પકડી પાલઘર જિલ્લામાં પહોંચ્યા હતા.
તેઓ બાંગ્લાદેશમાં પોતાના પરિવારના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ ઍપનો ઉપયોગ કરી રહ્યા હતા. પેલ્હાર પોલીસે આ પ્રકરણે ફોરેનર્સ એક્ટ, ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)