નાશિક પોલીસ મુખ્યાલયની જમીન હડપવાનો પ્રયાસ: 9 ગુજરાતી સહિત 22 બિલ્ડર સામે ગુનો
ટ્રસ્ટના આબેહૂબ નામવાળી કંપની સ્થાપી 300 કરોડની જમીનની કિંમત માત્ર 1.80 કરોડ આંકવામાં આવી

મુંબઈ: ભૂમાફિયાઓ દ્વારા સામાન્ય નાગરિકોની જમીન હડપ કરવાની ઘટનાઓ વારંવાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બનતી હોય છે, પરંતુ નાશિકમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં તો પોલીસ મુખ્યાલયની જ જમીન હડપ કરવાનો પ્રયાસ કરાયો હતો.
ટ્રસ્ટના આબેહૂબ નામવાળી કંપની સ્થાપીને આશરે 300 કરોડ રૂપિયાની જમીન માત્ર 1.80 કરોડ રૂપિયામાં વેચી દેવાનો ઘાટ ઘડાયો હતો. લૅન્ડ્સ રેકોર્ડ વિભાગની સતર્કતાને કારણે સામે આવેલા આ કાંડમાં પોલીસે નવ ગુજરાતી સહિત 22 બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આપણ વાંચો: સોનિયા અને રાહુલએ સંપત્તિ હડપવા કાવતરું રચ્યું હતું! નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો મોટો ખુલાસો
નાશિક શહેરમાં મોકાના સ્થળે શરણપુર ગાવઠાણ પરિસરમાં નાશિક પોલીસનું જૂનું મુખ્યાલય આવેલું છે. આ જગ્યા નાશિક ડાયોસેશન ટ્રસ્ટ ઍસોસિએશન (એનડીટીએ)ની માલિકીની હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા લીઝ પર લેવાયેલી આ જમીન પર નાશિક પોલીસનું જૂનું મુખ્યાલય હતું. જોકે મુખ્યાલય અન્યત્ર ખસેડવામાં આવ્યા પછી આ જમીન પર હાલમાં માત્ર ડીસીપી ઑફિસ છે.
પોલીસ ફરિયાદ અનુસાર બિલ્ડરો દ્વારા આ જૂના પોલીસ મુખ્યાલયની જમીન હડપ કરવાનો પ્રયાસ કરાયો હતો. બનાવટી દસ્તાવેજો તૈયાર કરી આ જમીન પર એનડીટીએ સાથે મેળ ખાતા નામ એનડીસી કંપનીનો હક દર્શાવાયો હતો.
આપણ વાંચો: નાગપુર પોલીસે જમીન હડપવાના કેસમાં 18આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવ્યો
બાદમાં આ કંપની અમુક બિલ્ડરોને વેચવાનો પ્રયાસ કરાયો હતો. જમીનની કિંમત અંદાજે 300 કરોડ રૂપિયા હોવા છતાં તે માત્ર 1.80 કરોડ રૂપિયામાં વેચવાનો કારસો ઘડાયો હતો.
જોકે લૅન્ડ્સ રેકોર્ડ વિભાગને શંકા જતાં તપાસ કરાઈ હતી. તપાસમાં એ જમીન એનડીટીએને નામે નોંધાયેલી હોવાનું જણાયું હતું. આ મામલે પોલીસ અધિકારીએ જ ફરિયાદ નોંધાવી હતી. સરકારવાડા પોલીસે બુધવારે 22 બિલ્ડર સહિત 37 જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.