નાશિકમાં કાર બંગલોમાં ઘૂસી: લગ્નમાં હાજરી આપીને પાછા જઇ રહેલા પરિવારના પાંચ સભ્ય સહિત છનાં મૃત્યુ

નાશિક: નાશિક જિલ્લામાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ કાર રસ્તાને કિનારે આવેલા બંગલોમાં ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ સભ્ય સહિત છ જણ મોત થયાં હતાં. આ પરિવાર તેમના સંબંધીના લગ્નમાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં 12 વર્ષનો કિશોર અને ચાર વર્ષની બાળકીનો સમાવેશ હોઇ અકસ્માતમાં ઘાયલ થયેલા શખસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર કાલવન તાલુકાના કોલ્હાપુર ફાટા ખાતે બુધવારે રાતના 10 વાગ્યે આ અકસ્માત થયો હતો, જેમાં પાંચ જણના ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
મૃતકોની ઓળખ શૈલા વસંત ભાદન (62), તેની પુત્રી માધવી મેટકર (32) અને દોહિત્રી ત્રિવેણી મેટકર (4), સંબંધી સરલા ભાલચંદ્ર ભાદન (50) તેમ જ કારચાલક ખાલીક મેહમૂદ પઠાણ તરીકે થઇ હતી, જ્યારે જ્યારે મેટકરનો 12 વર્ષનો પુત્ર ગંભીર ઇજા પામ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેનું મૃત્યુ થયું હતું.
સટાણાના નામદેવ ખાતે રહેનારો પરિવાર તેમના સંબંધીના લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે નાશિક આવ્યો હતો. નાશિકથી તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે નાશિક-કાલવન માર્ગ પર ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવતાં કાર બંગલોમાં ઘૂસી ગઇ હતી.
આ અકસ્માતમાં છ જણનાં મોત થયાં હતાં, જ્યારે ભાલચંદ્ર ભાદન (52) ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કાલવન પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)