નાલાસોપારામાં પોલીસનું કૉમ્બિંગ ઑપરેશન: 100થી વધુ આફ્રિકન તાબામાં

પાલઘર: નાલાસોપારામાં પોલીસે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરી 100થી વધુ આફ્રિકનને દસ્તાવેજોની ચકાસણી માટે તાબામાં લેવાયા હતા. સર્ચ દરમિયાન પોલીસને બે કિલો કોકેઈન પણ મળી આવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર પૂર્ણિમા ચૌગુલે-શ્રીંગીએ જણાવ્યું હતું કે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની અલગ અલગ ટીમે બુધવારની સવારે છ વાગ્યે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. તાબામાં લેવાયેલા 109 વિદેશી નાગરિક ટ્રાવેલ અને રહેઠાણ સંબંધી માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
આપણ વાચો: નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…
એક સ્થળેથી વિદેશી નાગરિક પાસેથી બે કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકરણે તેની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
પકડાયેલાઓમાં નાજીરિયન, યુગાન્ડા અને ઘાનાના વતનીઓનો સમાવેશ થાય છે. આ નાગરિકો નાલોસાપારા પૂર્વ, આચોલે અને તુલિંજ પરિસરમાં રહેતા હતા અને ડ્રગ્સની તસ્કરીમાં વારંવાર તેમની સંડોવણી સામે આવી હતી.
તાબામાં લેવાયેલા આફ્રિકનો સતત ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા રહે છે. વળી, તાજેતરમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમણે ગેરકાયદે દુકાનો શરૂ કરી હતી. આ પ્રવૃત્તિ અંગે વસઈ-વિરાર મહાપાલિકાને પણ માહિતી મળી હતી. તેથી ગેરકાયદે બાંધકામો અને ડ્રગ્સ વિરુદ્ધ પગલાં લેવા અમે સંગઠિત પ્રયાસો શરૂ કર્યા હોવાનું ચૌગુલે-શ્રીંગીએ જણાવ્યું હતું.
આપણ વાચો: મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલ આઉટ: 23 ફરાર આરોપીની ધરપકડ
પોલીસે તાબામાં લીધેલા વિદેશી નાગરિકોને ભારત પ્રવાસ અને રહેઠાણના દસ્તાવેજો રજૂ કરવાની તક આપી હતી, પરંતુ એકેય વ્યક્તિ માન્ય દસ્તાવેજો રજૂ કરી શકી નહોતી. જે લોકો માન્ય દસ્તાવેજો રજૂ કરી શકશે તેમને અહીં રહેવા દેવામાં આવશે અને જે દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, એવું ડીસીપીએ જણાવ્યું હતું.
આવા વિસ્તારમાં ઓછા ભાડે રહેવાની સગવડ થતી હોવાથી નાઈજીરિયનો મોટી સંખ્યામાં નાલાસોપારામાં રહેતા હતા, એવું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)



