ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરોધ પક્ષોએ બુધવારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘેરી હતી અને કહ્યું હતું કે ગુપ્તચર ખાતાની નિષ્ફળતાને કારણે સરકાર નાગપુરમાં હિંસા રોકી શકી નથી. આ સરકારની મોટી નિષ્ફળતા છે.
છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના આંદોલન દરમિયાન એક સમુદાયના પવિત્ર પુસ્તકને બાળી નાખવામાં આવ્યાની અફવા વચ્ચે નાગપુર શહેરમાં સોમવારે રાત્રે ભારે હિંસા જોવા મળી હતી.
વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે વિધાનસભામાં કહ્યું હતું કે ‘નાગપુર તો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ગૃહપ્રદેશ છે.’
‘ત્યાં આગ કોણે લગાવી?… જો હિંસા પૂર્વઆયોજિત હતી, તો જે બન્યું તે ગુપ્તચર ખાતાની નિષ્ફળતાને કારણે થયું. હિંસા ફાટી નીકળ્યા પછી પણ દોઢ કલાક સુધી પોલીસ ક્યાંય દેખાઈ ન હતી,’ એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
આપણ વાંચો: નાગપુર હિંસા મામલે સ્થાનિક લઘુમતી નેતાની ધરપકડ, સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ…
રાજ્ય વિધાનસભામાં ગૃહ વિભાગની બજેટ માગણીઓ પર બોલતાં વડેટ્ટીવારે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે રાજ્યના પ્રધાનના ઉશ્કેરણીજનક નિવેદનો છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.
‘તેમને રાજીનામું આપવાનું કેમ કહેવામાં આવતું નથી?’ એવો સવાલ કોંગ્રેસના નેતાએ કર્યો હતો.
આ અગાઉ, નાગપુર સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દટકેએ ગૃહમાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન દ્વારા જણાવ્યું હતું કે, હિંસા દરમિયાન મહિલા કોન્સ્ટેબલોની છેડતી કરવામાં આવી હતી.
આપણ વાંચો: નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?
ચર્ચામાં ભાગ લેતા, શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
‘અપહરણ, જાતીય હુમલાના કેસોમાં વધારો થયો છે. શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકરની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી,’ એમ તેમણે કહ્યું હતું.
મંગળવારે વિધાનસભામાં બોલતાં મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, નાગપુરમાં થયેલી હિંસા એક પૂર્વઆયોજિત કાવતરું હોય તેવું લાગે છે અને ઉમેર્યું હતું કે ટોળાએ ચોક્કસ ઘરો અને સંસ્થાઓને નિશાન બનાવી હતી.
હિંસા બાદ નાગપુર શહેરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.