નાગપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઉમેદવાર ફોર્મ પાછું ન ખેંચે તે માટે સમર્થકોએ તેને ઘરમાં પૂરી દીધા!

નાગપુર: નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉમેદવારને ઉમેદવારી પત્ર પાછો ખેંચતા અટકાવવા માટે તેમના કાર્યકરોએ તેમને ઘરમાં બંધ કરી દીધા હતા. આ ઘટનાથી નાગપુરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા વોર્ડ ૧૩ડીમાંથી કિસન ગાવંડે અને વિજય હોલેને એબી ફોર્મ આપવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પાર્ટીએ પોતાની રણનીતિ બદલી અને કિસન ગાવંડેને ઉમેદવારી પાછી ખેંચવાની સૂચના આપી હતી.
આપણ વાચો: ટિકિટ ન મળતાં એનસીપીના કાર્યકરોનો નાગપુરમાં હંગામો: પાર્ટી ઑફિસમાં તોડફોડ…
તેમને સમયસર અરજી પાછી ખેંચવાનું કહેવામાં આવતા ભાજપ તરફથી ગાવંડેની સત્તાવાર ઉમેદવારી રદ કરવામાં આવી અને તેઓ હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
જેમ જેમ પક્ષ તરફથી અરજી પાછી ખેંચવાનું દબાણ વધતું ગયું તેમ તેમ ગાવંડેના સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી અને વિસ્તારના નાગરિકો અને સમર્થકોએ ભારપૂર્વક આગ્રહ કર્યો કે કિસન ગાવંડે કોઈપણ સંજોગોમાં પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે.
આથી ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગાવંડેના સમર્થકોએ તેઓ બહાર જઈને અરજી પાછી ખેંચી ન શકે તે માટે તેમના ઘરને તાળા મારી દીધા હતા. ભાજપ તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે બનેલી આ ઘટનાની વ્યાપક ચર્ચા થઈ રહી છે.



