દીકરીને પોતાની સાથે રાખવા દંપતી વચ્ચે વિવાદ: પિતાએ દીકરીને જ પતાવી નાખી

નાગપુર: અલગ રહેતાં પતિ-પત્ની વચ્ચે આઠ વર્ષની દીકરીને પોતાની સાથે રાખવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો કરુણ અંત ત્યારે આવ્યો, જ્યારે પિતાએ માસૂમ દીકરીને ચાકુ હુલાવી કથિત રીતે મારી નાખી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નાગપુરના વાથોડા વિસ્તારમાં બની હતી. બાળકી ધનશ્રી શેન્દ્રે તેના પિતા શેખર શેન્દ્રે (46) અને દાદી કુસુમ શેન્દ્રે (71) સાથે રહેતી હતી.
ધનશ્રીની માતા અલગ રહેતી હતી અને પતિ સાથે તેનો વારંવાર વિવાદ થતો હતો. બાળકી કોની પાસે રહેશે, એ મુદ્દે પતિ-પત્ની વચ્ચે વિવાદ હતો. શેખર પોતાની દીકરીથી અલગ રહેવા તૈયાર નહોતો.
પોલીસ ફરિયાદ અનુસાર વહેલી સવારે શેખરે ચાકુ મારતાં બાળકી મોટે મોટેથી રડવા લાગી હતી. તેનો અવાજ સાંભળી પરિવારના સભ્યો જાગી ગયા હતા અને તેને વાથોડા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસ અધિકારીઓ તાત્કાલિક બાળકીને ગવર્નમેન્ટ મેડિકલ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ પ્રકરણે બાળકીની દાદીએ જ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે પિતા શેખર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)



