મહારાષ્ટ્ર

નાગપુરમાં ભાજપની મોટી કાર્યવાહી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 32 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ

નાગપુરઃ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સંગઠનાત્મક અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 32 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ભાજપના શહેર પ્રમુખ દયાશંકર તિવારીએ કહ્યું હતું કે આમાંના કેટલાક ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને તેમને ટેકો આપતા ભાજપના કાર્યકરો છે.

દયાશંકર તિવારીએ જણાવ્યું હતું કે 100થી વધુ ભાજપના કાર્યકરોએ બળવો કર્યો હતો, જેમાંથી 96 લોકોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા હતા, તેમને મનાવી લેવામાં આવ્યા છે. પરંતુ કેટલાક કાર્યકરોએ ઉમેદવારીપત્રો ભરીને અનુશાસનહીનતા આચરી છે, તેથી તેમને અને તેમના સમર્થકોને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા આ 32 કાર્યકરોમાંથી કેટલાક ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસના અનોખા ગઠબંધનનો આવ્યો અંત: કૉંગ્રેસે સસ્પેન્ડ કરેલા 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

વિનાયક ડેહનકર, સુનીલ અગ્રવાલ પણ સસ્પેન્ડ

ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષમાં સંગઠનાત્મક શિસ્ત ખૂબ જ જરૂરી છે. ચૂંટણી દરમિયાન પક્ષના આદેશો અંતિમ હોય છે, અને જે કોઈ અધિકૃત ઉમેદવારને ટેકો નથી આપતા અથવા પક્ષ વિરુદ્ધ કાર્ય કરે છે તેને સંગઠનમાં કોઈ સ્થાન નથી. સસ્પેન્ડ કરાયેલા ભાજપ કાર્યકર્તાઓમાં ભૂતપૂર્વ મેયર અર્ચના ડેહનકરના પતિ વિનાયક ડેહનકર, વરિષ્ઠ નગરસેવક સુનીલ અગ્રવાલ અને સુનિતા મહલ્લેનો સમાવેશ થાય છે.

દયાશંકર તિવારીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે શિસ્ત અને પક્ષની વફાદારીને પ્રાથમિકતા આપી છે. આમ છતાં, જે કાર્યકરો પક્ષના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ કામ કરી રહ્યા છે અથવા પોતે ચૂંટણી લડી રહ્યા છે, આવા સભ્યોને શિસ્તનું ઉલ્લંઘન કરવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ: અંબરનાથમાં ભાજપ સાથે ગઠબંધન કરનારા કોંગ્રેસના 12 નગરસેવક સસ્પેન્ડ…

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોએ શું કહ્યું?

દરમિયાન, સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને અંત સુધી અંધારામાં રાખ્યા હતા. તેમની ટિકિટ કેમ કાપવામાં આવી, તે વિષે કઈ જણાવવામાં આવ્યું નહીં,પરંતુ તેઓ જનતાની માંગ પર,પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. પક્ષને આવો નિર્ણય લેવાનો અધિકાર છે, તેથી તેમને પક્ષ સામે કોઈ ફરિયાદ નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button