મહારાષ્ટ્ર

માણિકરાવ કોકાટેને ગેરલાયક ઠેરવવાની એમવીએની માગણી: સ્પીકર કોર્ટના આદેશની રાહ જુએ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ રાજ્ય વિધાનસભાની બિઝનેસ એડવાઈઝરી (કામકાજ સલાહકાર) કમિટીની બેઠકમાં નાશિકની કોર્ટ દ્વારા બે વર્ષના કારાવાસની સજા આપવામાં આવેલા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને અપાત્ર ઠેરવવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે તેમની પાસે કોર્ટના આદેશની સર્ટિફાઈડ નકલ આવી નથી. સર્ટિફાઈડ નકલ મળ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમોને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રની તારીખો અને કામકાજને નક્કી કરવા માટે આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં સત્તાધારી અને વિપક્ષી પાર્ટીના મહત્ત્વના નેતા હાજર હતા. બજેટ સત્ર ત્રીજી માર્ચથી શરૂ થશે અને 10 માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. બંને ગૃહનું કામકાજ 26 માર્ચ સુધી ચાલશે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને નાશિક કોર્ટે આપી સજા, વિધાનસભ્યપદ જોખમમાં?

વિપક્ષી નેતાઓએ આ મોકાનો લાભ લઈને કોકાટેનું વિધાનસભ્યપદ રદ કરવાની માગણી કરી હતી. પિપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1951 મુજબ જે વ્યક્તિને બે વર્ષ અથવા તેથી વધુ સજા કરવામાં આવી હોય તે જનપ્રતિનિધિ (વિધાનસભ્ય) રહી શકે નહીં. ડિસેમ્બર, 2023માં આ જ કાયદાના આધારે કૉંગ્રેસના નેતા સુનિલ કેદારને નાગપુર કોર્ટ દ્વારા આર્થિક ગેરરીતિના કેસમાાં સજા કરવામાં આવ્યા બાદ 24 કલાકમાં અપાત્ર જાહેર કરવામાં આવ્યા હતા.

એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આવેદનપત્ર આપીને કોકાટેને અપાત્ર ઠેરવવાની માગણી કરી હતી, શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉતે પણ કોકાટેને રદ કરવાની માગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button