10 વર્ષમાં 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી: ફડણવીસ

મુંબઈ: છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં લગભગ 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી થઈ હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં મુંબઈને બાદ કરતા લગભગ 1.05 કરોડ રોકાણકારો સાથે 22,552 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ અહેવાલ આપ્યો છે કે મુંબઈમાં છેલ્લા દસ વર્ષમાં ૨.૭૧ લાખ રોકાણકારો સાથે ૨,૯૫,૪૫૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦૧૬થી ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કુલ ૪૬,૩૨૧ સાયબર ક્રાઇમ કેસ નોંધાયા હતા, જેમાં રૂ. ૧૧,૦૩૩.૯૭ કરોડની નાણાકીય છેતરપિંડીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શેરબજારમાં તેજી પણ આઇપીઓનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ, રોકાણકારોની ચિંતા વધી…
ફડણવીસે તેમના જવાબમાં જણાવ્યું હતું કે, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલને ૨૦૨૪માં મહારાષ્ટ્રમાંથી ૧,૧૮૬.૪૬ કરોડ રૂપિયાના નાણાકીય છેતરપિંડીના ૫૮,૧૫૭ કેસ મળ્યા હતા, જેમાં મુંબઈના ૩૧,૫૮૩, પુણેના ૧૩,૯૭૧ અને થાણેના ૧૨,૫૮૨ કેસનો સમાવેશ થાય છે.
હાલમાં રાજ્યમાં ૫૦ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. રોકાણકારો સાથે છેતરપિંડી કરી શકે તેવી વિવિધ નાણાકીય યોજનાઓ અંગે માહિતી મેળવવા માટે, મુંબઈ પોલીસ અને રાજ્યના વિવિધ પોલીસ એકમોએ એક નાણાકીય ગુપ્તચર એકમ બનાવ્યું છે.