1,500 કરતાં વધુ સરકારી કર્મચારીઓ મફત રાશન લે છે, તપાસનો આદેશ અપાયો

અલીબાગ: દેશમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સરકાર દ્વારા મફત રાશનનો લાભ આપવામાં આવે, પણ તાજેતરમાં રાયગઢ જિલ્લામાં રાશન વિતરણ કેન્દ્રો પર 1,656 જેટલા સરકારી કર્મચારીઓ પણ આ સેવાનો લાભ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સરકાર દ્વારા રાશન મેળવવા માટે આધાર કાર્ડ અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવતા સરકારી કર્મચારીઓ દ્વારા ચાલતો આ ગેરપ્રકાર સામે આવ્યો હતો. જોકે આ બાબતની જાણ થતાં મફત રાશનની સેવાને તરત જ બંધ કરાવી આ મામલે તપાસ હાથ ધરવામાં આવ્યો છે.
વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને 35 કિલો રાશન આપવામાં અને કુટુંબના દરેક વ્યક્તિના નામે પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષ માટે દેશના 80 કરોડ નાગરિકોને આ સેવાનો લાભ મળવાનો છે, પણ સરકારની આ યોજનાનો ગેરલાભ અમુક સરકારી કર્મચારીઓ પણ લેતા હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો હતો.
આપણ વાંચો: સરકારે મફત રાશન આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ તો આપ્યા પણ…
ગરીબી રેખાની નીચે આવતા કુટુંબને આ યોજનાનો લાભ મળે છે. આ લાભ લેવા માટે સરકારી રાશનની દુકાન પર આધારકાર્ડને લિન્ક કરાવી તમારી આવકનું પ્રમાણ પત્ર જમા કરાવવું ફરજિયાત છે, પણ સરકારી કર્મચારીઓએ પોતાની આવકનું પ્રમાણ પત્ર છુપાવીને સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા હોવાનો ગેરપ્રકાર ધ્યાનમાં આવતા રાયગઢમાં થોડા સમય માટે મફત રાશનની સેવાને બંધ કરવામાં આવી છે અને આ યોજનાનો ગેરલાભ લેતા સરકારી કર્મચારીઓની તપાસ કરવા માટે એક સમિતિની સ્થાપના પણ કરવામાં આવી છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
મફત રાશનનો લાભ મેળવવા માટે લોકોને તેમનું આધારકાર્ડ અને મોબાઇલ નંબર લિન્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ લિન્ક કરવામાં આવેલા આધારકાર્ડ અને મોબાઇલ નંબર સરકારી કર્મચારીઓના હોવાની વાતનો ખુલાસો થયો હતો. જેથી આ કર્મચારીઓ કેટલા વર્ષોથી મફત રાશન લઈ રહ્યા છે એ બાબતની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. મફત રેશન લેનાર કર્મચારીઓ ક્યાથી સેવામાં છે તે બાબતની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.