મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો

થાણે: થાણે નજીકના મુંબ્રામાં વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષની સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. જોકે મામલો પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલાં કથિત આરોપીનું નિધન થતાં પોલીસે મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર મુંબ્રામાં રહેતી સગીરાની એ જ પરિસરમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવકે પ્રેમનું નાટક કરી જૂનથી ઑગસ્ટ, 2024 દરમિયાન યુવતી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કર્યું હતું.
આ સંબંધનો પરિવારજનોએ વિરોધ કરતાં યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું જણાયું હતું. 14 ફેબ્રુઆરીએ સગીરાએ એક સંતાનને જન્મ આપતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ તે પહેલાં આરોપી યુવકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે યુવકનું મૃત્યુ કયાં કારણોસર અને ક્યારે થયું તે અંગે એફઆઈઆરમાં કોઈ ચોખવટ કરાઈ નહોતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)