પ્રધાને કબૂલ કર્યું કે મુલુંડ ટોલ પ્લાઝા પરનું હોર્ડિંગ ગેરકાયદે હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાનસભ્યો દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે સ્વીકાર્યું હતું કે, મુંબઈના એક ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, જે થયું હતું.
મુંબઈમાં 13 મે, 2024ના રોજ ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડવાની હોનારત નોંધાઈ હતી, જેમાં 17 લોકો માર્યા ગયા હતા અને 75 લોકો ઘાયલ થયા હતા. સામંતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને શહેરમાં હોર્ડિંગનું ઓડિટ કરવાનો નિર્દેશ આપશે અને આગામી સત્ર દરમિયાન આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
આપણ વાંચો: ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે જસ્ટિસ ઓકે ઠપકો આપ્યા બાદ પોલીસ ગુનો નોંધવા દોડી ગઇ…
ભાજપના વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે મુલુંડ ટોલ પ્લાઝા પર હોર્ડિંગ લગાવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને 68 ગણો દંડ ફટકારવામાં આવ્યો છે. શિવસેનાના વડા અને નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદે વતી બોલતા સામંતે જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે.
સામંતે કહ્યું હતું કે ટોલ પ્લાઝા પર હોર્ડિંગ લગાવવાની મંજૂરી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા 2005માં આપવામાં આવી હતી, પરંતુ બીએમસીની મંજૂરી જરૂરી હતી, જે કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી ન હોય તેવું લાગે છે.
ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે એવી માગણી કરી હતી કે હોર્ડિંગ કોન્ટ્રાક્ટરોને પરવાનગી આપવા માટે એક જ એજન્સીને અધિકૃત કરવામાં આવે, જ્યારે તેમના પક્ષના સાથીદાર પરાગ અલવણીએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે બીએમસીની પરવાનગી વિના હોર્ડિંગ કેવી રીતે લગાવી શકાય.
આપણ વાંચો: રાજ્યમાં હોર્ડિંગ્સનું દર વર્ષે ઓડિટ કરવામાં આવશે: ઉદ્યોગ પ્રધાન…
અલવણીએ એવી માગણી કરી હતી કે ગેરકાયદે હોર્ડિંગ લગાવવાને ફોજદારી ગુનો બનાવવા માટે હાલના કાયદામાં સુધારો કરવામાં આવે કારણ કે હાલની દંડની રકમ ઘણી ઓછી છે અને તેને વધારવાની જરૂર છે.
120 બાય 120 ફૂટનું વિશાળ હોર્ડિંગ લગાવનાર જાહેરાત કંપનીના ડિરેક્ટર ભાવેશ ભીંડેની પછી ધરપકડ પણ કરવામાં આવી હતી.
એક ઓડિટમાં એવું જાણવા મળ્યું કે હોર્ડિંગ એક નબળા પાયા પર લગાવવામાં આવ્યું હતું જે 49 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકતો ન હતો, જેના કારણે શિંદેના નેતૃત્વ હેઠળની તત્કાલીન સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં હોર્ડિંગ્સનું માળખાકીય ઓડિટ કરાવવાની ફરજ પડી હતી.
આપણ વાંચો: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના મુદ્દે એસઆઈટીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
બીએમસીએ મુંબઈમાં બિલબોર્ડ્સને પ્રમાણિત કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે માર્ગદર્શિકા પણ ઘડી હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ અને અન્ય શહેરોમાંથી તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે 19 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરોની વધતી સંખ્યાને ‘ભયંકર’ અને ‘દુ:ખદ પરિસ્થિતિ’ ગણાવી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે તમામ રાજકીય પક્ષોને નોટિસ જારી કરીને કારણ દર્શાવવાનો નિર્દેશ આપ્યો હતો કે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી કેમ ન શરૂ કરવી જોઈએ.
એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, ચૂંટણી પછી લગભગ 22,000 અનધિકૃત હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. જોકે, બેન્ચે કહ્યું કે જ્યારે આવા ગેરકાયદે હોર્ડિંગ્સની કુલ સંખ્યાની જ જાણકારી નથી ત્યારે આ સંખ્યા આપવાનું અર્થહીન છે.