મેહુલ ચોક્સીને કેન્સર થયાની શંકા, કોર્ટમાં વકીલનું નિવેદન

મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) લોન કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી હાલ શંકાસ્પદ કેન્સરની તબીબી સારવાર માટે બેલ્જિયમમાં હોવાનું મુંબઈની એક વિશેષ અદાલતે મંગળવારે જણાવ્યું હતું.
ચોક્સી વતી હાજર થયેલા વકીલ વિજય અગ્રવાલે અદાલતને જણાવ્યું હતું કે હાલમાં તબીબી સારવાર માટે બેલ્જિયમ ગયેલા ચોક્સીના કેટલાક સ્વાસ્થ્ય મુદ્દાઓને રેકોર્ડ પર લાવવા માટે પોતે અરજી દાખલ કરવા માંગે છે. અગ્રવાલે અદાલતને માહિતી આપી હતી કે ચોક્સીને કેન્સર હોવાની શંકા છે.
આપણ વાંચો: PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની રૂ. 2,566 કરોડની સંપત્તિની થશે નિલામી
ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર (એફઇઓ) જાહેર કરવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર મુંબઇની વિશેષ પીએમએલએ અદાલત સુનાવણી કરી રહી છે. એફઇઓ ઘોષણા સરકારને ગુનેગારની સંપત્તિ જપ્ત કરવા માટે કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપે છે.
ચોક્સી, તેમનો ભત્રીજો અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી તેમજ તેમના પરિવારના સભ્યો, કર્મચારીઓ, બેંક અધિકારીઓ અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા 2018માં મુંબઇની પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં કથિત લોન છેતરપિંડીના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. ચોક્સી ભારત છોડ્યા બાદ 2018થી એન્ટિગવામાં રહે છે.
(પીટીઆઈ)