મરાઠવાડામાં ભારે વરસાદની તબાહી: ૮ના મોત, સેંકડો ઘરો અને ખેતીવાડીને વ્યાપક નુકસાન

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મરાઠવાડામાં છેલ્લા ચાર દિવસમાં વરસાદે તબાહી મચાવી હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો ઘરોને નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી કે સરકાર ખેડૂતો અને અન્ય લોકોને રાહત આપવા માટે કામ કરી રહી છે.
ધારાશિવ જિલ્લામાં ૭૫૦થી વધુ ઘરો અને ૩૩,૦૦૦ હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું હતું અને ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ૨૦ સપ્ટેમ્બરથી મરાઠવાડામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે બંધોમાંથી પાણી છોડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા પૂર્વે ભારે વરસાદ, ચાર લોકોના મોત
અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે, જેમાં લાતુરમાં ત્રણ, બીડમાં બે અને છત્રપતિ સંભાજીનગર, નાંદેડ અને ધારાશિવમાં એક-એક વ્યક્તિ વીજળી પડવા, ડૂબવા અને અન્ય કારણોસર મૃત્યુ પામ્યા છે. છત્રપતિ સંભાજીનગરમાં રોડ અને બે સ્કૂલને નુકસાન થયું છે, જાલના અને બીડમાં ત્રણ બ્રિજને અને મરાઠવાડામાં પાંચ નાના ડેમને પણ નુકસાન થયું છે. ધારાશિવમાં, ૧૫૯ ગામો પ્રભાવિત થયા હતા અને ૧૮૬ પશુધન મૃત્યુ પામ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં ૯૭૫.૦૫ મીમી વરસાદ નોંધાયો છે જે સરેરાશ વરસાદના ૧૦૨ ટકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બીડ અને ધારાશિવમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. એનડીઆરએફ એ ધારાશિવમાં ૨૭ લોકોને બચાવ્યા છે, અને ૨૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં લીલા દુકાળની જાહેરાત થવાની કેબિનેટમાં માગણીઃ હજુ પણ ભારે વરસાદની આગાહી
વહીવટીતંત્ર બચાવ પ્રયાસો માટે વધુ હેલિકોપ્ટરની માંગ કરશે. બીજી તરફ ખેડૂતોને પણ રાહત આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ ૩૧.૬૪ લાખ ખેડૂતોને સહાય મળી છે, અને ૨,૨૧૫ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે, જેમાંથી ૧,૮૦૦ કરોડ રૂપિયા જિલ્લા વહીવટીતંત્રોને વિતરણ માટે આપવામાં આવ્યા છે,” તેમણે ઉમેર્યું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, પરાંડા તાલુકામાં ૯૬ ગામો, ભૂમ તાલુકામાં ૫૩, લોહારામાં પાંચ, વાશીમાં ત્રણ અને તુલજાપુર અને કળંબ તાલુકામાં એક-એક ગામ પ્રભાવિત થયા હતા. ૭૬૬ ઘરોને આંશિક નુકસાન થયું છે અને પાંચ ઝૂંપડા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સોમવાર રાતથી છત્રપતિ સંભાજીનગર અને બીડના માજલગાંવમાં જયકવાડી ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
“આમાંના કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવા જેવું હતું,” એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંને ડેમ લગભગ ભરાઈ ગયા હતા, અને તેમાંથી પાણી છોડવાનું કામ ચાલુ હતું. સોમવાર રાતથી માજલગાંવ ડેમના કેચમેન્ટમાં આવતા જાવલા અને રામોડા વિસ્તારોમાં અનુક્રમે ૧૬૦ મીમી અને ૧૨૦ મીમી વરસાદ પડ્યો છે. જયકવાડી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગંગાપુર (૪૬ મીમી), પૈઠણ (૯૨ મીમી) અને ભેંડાલા (૫૨ મીમી) ના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
આઠ જિલ્લાઓનો સમાવેશ કરતા મરાઠવાડા ક્ષેત્રમાં આ વર્ષે પહેલી જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ કરતાં ૨૮.૫ ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મંગળવાર સવાર સુધીમાં આ ક્ષેત્રમાં ૮૨૩.૮ મીમી વરસાદ નોંધાયો છે, જે આ સમયગાળા માટે સરેરાશ ૬૪૦.૮ મીમી વરસાદની અપેક્ષા છે.