માણિકરાવ કોકાટેને ઝટકો: ફ્લેટ કૌભાંડમાં 2 વર્ષની સજા યથાવત, ધરપકડની તલવાર લટકી!

નાશિક: વિવાદાસ્પદ નિવેદનોને કારણે રાજ્યના રમતગમત પ્રધાન માણિકરાવ કોકાટેને કૃષિ પ્રધાનપદ પરથી હટાવવામાં આવ્યા હતા. સરકારી ક્વોટાના ૧૦ ટકા ફ્લેટના કૌભાંડના કેસમાં ફર્સ્ટ ક્લાસ કોર્ટે તેમને ૨ વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. તેથી, હવે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. માણિકરાવ કોકાટે આ સજા સામે જિલ્લા સત્ર અદાલતમાં ગયા હતા. જિલ્લા સત્ર અદાલતમાં કેસમાં બંને પક્ષોની દલીલો બાદ હવે કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેનાથી માણિકરાવ કોકાટેને ઝટકો લાગે એવી શક્યતા છે.
જિલ્લા સત્ર અદાલતે પ્રથમ વર્ગ અદાલત દ્વારા માણિકરાવ કોકાટેને આપવામાં આવેલી ૨ વર્ષની કેદ અને ૧૦,૦૦૦ રૂપિયાના દંડની સજાને યથાવત રાખી છે, તેથી માણિકરાવ કોકાટે પર હવે ધરપકડનો ભય છે. ઉપરાંત, આ સજાને કારણે માણિકરાવ કોકાટેનું પ્રધાન પદ પણ જોખમમાં છે. માણિકરાવ કોકાટેએ હવે આ કેસમાં જામીન માટે હાઇ કોર્ટનો સંપર્ક કરવો પડશે.
માણિકરાવ કોકાટે પર નાશિકના હાઇ-પ્રોફાઈલ વિસ્તારમાં અલ્પ આવક જૂથમાંથી ફ્લેટ મેળવ્યા હોવાનો આરોપ છે. આ મામલો ૩૦ વર્ષ પહેલાંનો છે. તેમના પર આરોપ છે કે તેમણે ચાર વ્યક્તિઓને કેનેડા કોર્નર વિસ્તારમાં ‘નિર્માણ વ્યુ એપાર્ટમેન્ટ’માં મુખ્યમંત્રી ક્વોટા હેઠળ અલ્પ આવક જૂથમાંથી ફ્લેટ અપાવ્યા હતા.
આ મામલે તે સમયના તત્કાલીન રાજ્યપ્રધાન તુકારામ દિઘોલેએ ફરિયાદ નોંધાવી હતી.” જિલ્લા વહીવટીતંત્રે આ કેસમાં ફ્લેટ ફાળવણીની તપાસ કરી હતી. ત્યાર બાદ, પ્રથમ વર્ગની કોર્ટે તેમને અને તેમના ભાઈને ૨ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યાર બાદ, વિરોધ પક્ષે માણિકરાવ કોકાટેના રાજીનામાની માંગ કરી હતી.
એક તરફ વિરોધ પક્ષોની ટીકાઓ ચાલુ હતી ત્યારે બીજી તરફ માણિકરાવ કોકાટેએ જિલ્લા સત્ર અદાલતમાં ધા નાખી હતી. ત્યાર બાદ, શું કોકાટેને જિલ્લા સત્ર અદાલત તરફથી રાહત મળે છે કે નહીં? તે તરફ સૌની નજર ટકેલી હતી, પરંતુ સત્ર અદાલતે પ્રથમ વર્ગની અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો છે. જેના કારણે કોકાટે માટે આ એક ઘણો મોટો આંચકો છે. હવે કોકાટેની ધરપકડ થાય છે કે કેમ? તે જોવું મહત્વનું રહેશે.
આ પણ વાંચો…‘રમી’ વિવાદથી જાણીતા કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી હટાવાયા…



