2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવતી કાલે આવે એવી શક્યતા

મુંબઈ: રાજ્યના સંવેદનશીલ શહેર ગણાતા માલેગાંવમાં છ વ્યક્તિનો ભોગ લેનારા અને 100થી વધુને જખમી કરનારા બ્લાસ્ટના કેસમાં 17 વર્ષ બાદ ગુરુવારે વિશેષ એનઆઈએ કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા છે.
આ કેસમાં ભાજપનાં નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપી સામે અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ) અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ખટલો ચલાવવામાં આવ્યો હતો.
અન્ય આરોપીઓમાં મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. કેસની તપાસ કરનારી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આરોપીઓને અનુરૂપ સજા આપવાની માગણી કરાઈ હતી.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…
2018માં શરૂ થયેલો ખટલો 19 એપ્રિલ, 2025માં પૂરો થયો હતો, જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
માલેગાંવમાં એક મસ્જિદ નજીક બાઈકમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ બૉમ્બધડાકો થયો હતો. આ ધડાકામાં છ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 100થી વધુ ઘવાયા હતા.
અંતિમ દલીલમાં એનઆઈએએ જણાવ્યું હતું કે માલેગાંવમાં મુસ્લિમ વસતિ વધુ છે અને તેથી આ સમાજમાં આતંક ફેલાવવા, અત્યાવશ્યક સેવાઓ ખોરવી નાખવા, કોમી તંગદિલી ઊભી કરવા અને રાજ્યની આંતરિક સલામતી સામે ખતરો ઊભો કરવા આ બ્લાસ્ટ કરાયો હતો.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસ ચલાવતી કોર્ટને મળી બોમ્બ મુકાયાની ધમકી
બ્લાસ્ટના આ મોટા કાવતરા અને બ્લાસ્ટ કરાવવામાં આરોપીઓની સીધી સંડોવણી હોવાનું જણાયું છે, એમ એનઆઈએએ કહ્યું હતું.
આ કેસની તપાસ અગાઉ મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) કરી રહી હતી. બાદમાં 2011થી એનઆઈએએ તપાસ હાથ ધરી હતી. કેસની સુનાવણી કોર્ટે 2018થી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન તપાસકર્તા પક્ષે 323 સાક્ષી રજૂ કર્યા હતા, જેમાંથી 37 જણે ફેરવી તોળ્યું હતું. (પીટીઆઈ)