મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીની ચુકવણીમાં વિલંબથી ખેડૂતો ચિંતિત, જાણો કારણ શું?
રાજ્યમાંથી અત્યાર સુધીમાં અંદાજે 6.5 લાખ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરી

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના માર્કેટિંગ વિભાગની મની ટ્રાન્સફર સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે તુવેરના અનેક ખેડૂતોને ચુકવણીમાં વિલંબ થયો હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે. અનેક ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની ખરીદી સામે પૈસા જમા થયા હોવાની પુષ્ટિ કરતા મેસેજ મળ્યા હોવા છતાં હજી સુધી તેમના બેંક ખાતામાં રકમ જમા નથી, પરિણામે ખેડૂતો ચિંતામાં છે.
રાજ્યના માર્કેટિંગ વિભાગના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘આ ભૂલ સત્વરે સુધારી લઈ તુવેરની ખરીદીના પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. નાણાકીય વર્ષના અંત સમયમાં કામના બોજના કારણે કેટલીક વાર વિલંબ થાય છે.’
આપણ વાંચો: તુવેરની ખેતી કરતાં ખેડૂતો માટે કામના સમાચાર, આ તારીખથી ટેકાના ભાવની ખરીદીનું શરૂ થશે રજિસ્ટ્રેશન
રાજ્ય સરકારે તુવેરની ખરીદીનો ભાવ ક્વિન્ટલ દીઠ 7,550 રૂપિયા નક્કી કર્યો છે જે પ્રવર્તમાન બજારભાવ કરતાં ઊંચો છે. પરિણામે વધુ ને વધુ ખેડૂતોને તેમની પેદાશો સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રોને વેચવા તૈયાર થયા અને નોંધણીમાં વધારો થયો છે.
રાજ્યના માર્કેટિંગ વિભાગના આંકડા મુજબ નેશનલ એગ્રિકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કો ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (એનસીસીએફ)એ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાંથી અંદાજે 6.5 લાખ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરી છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે એકલા નાફેડને જ 92,805 ખેડૂતોએ તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 30,000 જેટલા ખેડૂતોની દાળ ખરીદવામાં આવી છે. રાજ્યભરની અન્ય તુવેર ખરીદી એજન્સીમાં પણ નોંધણી અને વાસ્તવિક ખરીદી વચ્ચે સમાન તફાવત અસ્તિત્વમાં છે. ચુકવણીમાં વિલંબ અંગે ખેડુતોએ ચિંતા વ્યક્ત કરી છે. (પીટીઆઈ)