ખેડૂત આત્મહત્યામાં મહારાષ્ટ્ર ટોચ પર NCRBના ચોંકાવનારા આંકડા

કૃષિ ક્ષેત્રના 10,786 લોકોએ કરી આત્મહત્યા, મહારાષ્ટ્રનો હિસ્સો 38 ટકાથી વધુ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખેડૂતોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો જાહેરાત છતાં આત્મહત્યાઓ અટકવાનું નામ લેતી નથી. ગૃહ મંત્રાલયના NCRB રિપોર્ટ મુજબ 2023માં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 10,786 લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં 4,690 ખેડૂતો/પશુપાલકો અને 6,096 કૃષિ મજૂરનો સમાવેશ થાય છે. આ આંકડો દેશમાં કુલ આત્મહત્યા પીડિતો (1,71,418)ના 6.3 ટકા છે. જોકે, 2022માં થયેલી 11,290 આત્મહત્યાઓની સરખામણીમાં 2023 માં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
રિપોર્ટ દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં આવી આત્મહત્યાઓની સંખ્યા સૌથી વધુ છે. અહીં 4,151 ખેડૂતોએ આત્મહત્યા કરી. ખેતી સંબંધિત આત્મહત્યાઓમાં મહારાષ્ટ્રનો હિસ્સો 38 ટકાથી વધુ છે. મહારાષ્ટ્ર પછી, કર્ણાટક બીજા સ્થાને છે, જ્યાં 2,423 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
ખેતમજૂરોમાં આત્મહત્યાનો દર વધુ જોવા મળ્યો
આંધ્ર પ્રદેશમાં 925, મધ્યપ્રદેશમાં 777 અને તમિલનાડુમાં 631 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખેતમજૂરો કરતાં ખેડૂતોમાં આત્મહત્યાનો દર વધુ જોવા મળ્યો હતો, જ્યારે આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં ખેતમજૂરોમાં આત્મહત્યાનો દર વધુ જોવા મળ્યો હતો.
કૃષિ આત્મહત્યાઓને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે
2023માં દેશમાં ખેડૂત/કૃષિ મજૂરોની આત્મહત્યામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનો હિસ્સો 60% થી વધુ હતો. 2022 માં પણ બંને રાજ્યો આ યાદીમાં ટોચ પર હતા. NCRB કૃષિ આત્મહત્યાઓને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે, એક એવી આત્મહત્યા છે જે ખેત મજૂરોની મદદ સાથે અથવા વગર પોતાની જમીનમાં ખેતી કરે છે. બીજા વર્ગમાં એવા કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે જેઓ મુખ્યત્વે કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે અને જેમની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ મજૂરી પ્રવૃત્તિઓ છે.
રોકડિયા પાકો પર નિર્ભરતા ખેડૂતોની મુખ્ય સમસ્યા
કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકો પર નિર્ભરતા ખેડૂતોમાં તકલીફનું મુખ્ય કારણ છે, કેમકે તેના માટે મોટા મૂડીરોકાણની જરૂર પડે છે. આ માટે ખેડૂતો શાહુકારો પર નિર્ભર રહે છે. તેવામાં જો પાક નિષ્ફ્ળ જાય તો ખેડૂતો આત્યંતિક પગલું લેવા મજબૂર બને છે. સરળ પાક લોન સુવિધાઓ, ખેડૂત આવક સહાય (PM-KISAN) યોજના અને સસ્તો પાક વીમો ખેડૂતોને અમુક અંશે મદદ કરે છે, તેમ છતાં તેમાંથી ઘણા ખેડૂતો હજુ પણ ઊંચા ખર્ચ અને આફતોનો ભોગ બને છે.
14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એકેય કેસ નહીં
પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, ચંદીગઢ, દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ) અને લક્ષદ્વીપમાં 2023માં ખેડૂતો/ખેતમજૂરો દ્વારા આત્મહત્યાનો એક પણ કેસ નોંધાયો નથી. 2023 માં દેશમાં 4,690 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાં કુલ 4,553 પુરુષો અને 137 મહિલાઓ હતી. આ સમયગાળા દરમિયાન ખેતમજૂરોએ કરેલી 6,096 આત્મહત્યામાંથી 5,433 પુરુષો અને 663 મહિલાઓ હતી.