મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ: અંબરનાથમાં ભાજપ સાથે ગઠબંધન કરનારા કોંગ્રેસના 12 નગરસેવક સસ્પેન્ડ…

શિંદે જૂથને સત્તાથી દૂર રાખવા ભાજપ-કોંગ્રેસનું વિચિત્ર ગઠબંધન પક્ષને રુચ્યું નહીં, પ્રદેશ પ્રમુખની કડક કાર્યવાહી
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણીને કારણે ભારતીય જનતા પાર્ટીથી લઈને સાથી અને વિપક્ષમાં જોરદાર ખેંચાખેંચી ચાલી રહી છે, જ્યારે 16મીના પરિણામો પછી પણ મહારાષ્ટ્ર વિવિધ પાલિકાનું ચિત્ર પણ અલગ હશે, પરંતુ સત્તા માટે તમામ પક્ષો કોઈ પણ હદે જઈ શકે એ હકીકત છે. સત્તા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પણ એમાં ચાણક્ય નીતિ અજમાવી રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનારી ભારતીય જનતા પાર્ટી અંબરનાથ નગર પરિષદ (મ્યુનિસિપલ કાઉન્સિલ)માં એકનાથ શિંદે (શિવસેના)ને દૂર રાખવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ એ ફળ્યું નથી અને કોંગ્રેસને મંજૂર પણ નથી. શું છે સમગ્ર મામલો જાણીએ.
કોંગ્રેસે કહ્યું કોઈ કાળે ગંઠબંધન નહીં ચાલે
એકનાથ શિંદેને અલગ રાખીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સાથે રાખ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય લીધો છે. પાર્ટીએ ગઠબંધન નહીં કરીને કોંગ્રેસના 12 નગરસેવકને સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીએ પણ પોતાનો સ્પષ્ટ મત આપ્યો છે કે ગઠબંધન તો કોઈ પણ કાળે કરવામાં આવશે નહીં.

સસ્પેન્ડ કરીને સલાહ પણ આપી દીધી
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટી (એમપીસીસી)ના ઉપાધ્યક્ષ ગણેશ પાટીલે કહ્યું કે અંબરનાથ કોંગ્રેસના બ્લોક પ્રમુખ પ્રદીપ પાટિલને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ભાજપને ટેકો આપવા મુદ્દે અંબરનાથ બ્લોકના પ્રમુખ પ્રદીપ પાટીલને સલાહ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો…ઠાકરે જૂથના ઉમેદવારની માતાએ ઝેર પીધું, કોંગ્રેસ પર દબાણ લાવવાનો આરોપ, સાંગલીમાં વાતાવરણ ગરમાયું…
વધુમાં જણાવ્યું છે કે અમે કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડ્યા છીએ અને 12 સીટ જીત્યા છે, પરંતુ રાજ્યના નેતૃત્વ યા પાર્ટીની સ્ટેટ ઓફિસને જાણ કર્યા વિના ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. આ સારી વાત નથી. આ જ કારણસર પ્રદેશપ્રમુખના નિર્દેશ અનુસાર તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળએ સખત વલણ અપનાવતા કહ્યું છે કે કોઈ પણ રીતે ભાજપ સાથે ગઠબંધન માન્ય રાખવામાં આવશે નહીં અને એવા નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

શિંદેના ગઢમાં ગાબડું પાડવામાં નિષ્ફળ
અંબરનાથ એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. અહીં એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે સાંસદ છે. નગર પરિષદની ચૂંટણીમાં કુલ 60 બેઠકમાંથી ભાજપને પક્ષે 14, શિવસેના 27, કોંગ્રેસ 13, એનસીપી ચાર અને અપક્ષની કુલ બે બેઠક હતી. બહુમતી માટે 30 બેઠક જરુરી હતી. ચૂંટણીમાં ભાજપનાં તેજશ્રી કરંજુલે મેયર તરીકે ચૂંટાયા હોવા છતાં પાર્ટીને બહુમતી મળી નહોતી. સત્તા મેળવવા માટે 32 નગરસેવકમાં ભાજપના 16, કોંગ્રેસના 12 અને ચાર રાષ્ટ્રવાદી (અજિત પવાર જૂથ) ગઠબંધન બનાવ્યું હતું. અને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનને અંબરનાથ વિકાસ આઘાડીનું નામ આપવામાં આવ્યું હતું. પાર્ટીના જ નેતાઓએ આ ગઠબંધનને વિચિત્ર ગણાવ્યું હતું, જ્યારે એનો વિવાદ પણ જાગ્યો હતો. જોકે, ભાજપને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળતા મળી છે, પરંતુ શિંદેના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા નથી એમ રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું.



