મહારાષ્ટ્ર સરકાર રેતી સંબંધિત નવા નિયમો 8 દિવસમાં અમલમાં મૂકશે
પંદર દિવસમાં રેતી ઉપલબ્ધ થશે નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં રેતી સંબંધિત નવા નિયમો અમલમાં મૂકવામાં આવનાર છે. તેથી નાગરિકોને હવે બાંધકામ માટે રેતી સરળતાથી ઉપલબ્ધ થશે, એવી ચર્ચા આજે વિધાનસભામાં થઇ હતી.
ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પૂછેલા અમુક પ્રશ્નોનો જવાબ આપતા મહેસુલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે આગામી આઠ દિવસમાં રાજ્યમાં રેતી સંબંધિત નવા નિયમો આવશે જેના હેઠળ રેતી માટે અરજી કર્યાના પંદર દિવસમાં જો રેતી ઉપલબ્ધ ન થાય તો તહેસિલદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: રોડ અકસ્માતોના નિયંત્રણ માટે મહારાષ્ટ્ર સરકાર ભરશે ‘આ’ પગલું
અત્યાર સુધીમાં આ બાબતે 285 સૂચન આવ્યા છે. તેના માટે અન્ય રાજ્યના નિયમોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. ખડકોમામાંથી બનાવેલી રેતી જ મોટા પ્રમાણમાં વાપરવાની છે. આ માટે પથ્થરો ક્રશ કરનારાઓને ઉદ્યોગોનો દરજ્જો આપીને સબસિડી પણ આપવામાં આવશે, એમ બાવનકુળેએ વધુમાં જણાવ્યું હતું.
આ સિવાય ઘરમાલિકોને પાંચ બ્રાસ વધારાની રેતી પણ આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ભંડારા જિલ્લાના મહેસુલ ખાતાના અધિકારીઓ બેજવાબદારી રીતે વર્તન કરતા હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ અંગે તપાસનો આદેશ પણ મહેસુલ પ્રધાને આપ્યો હતો.
15 દિવસમાં રેતી ઉપલબ્ધ કરી આપવાનું ફરજિયાત
રેતીના નવા નિયમો પ્રમાણે ઘરમાલિકને 15 દિવસની અંદર રેતી ઉપલબ્ધ કરી આપવાનું ફરજિયાત રહેશે. જો આવું ન થયું તો તહેસિલદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ફરિયાદ કરવા એક પોર્ટલ બનાવવામાં આવશે.