મહારાષ્ટ્ર

રોડ અકસ્માતોના નિયંત્રણ માટે મહારાષ્ટ્ર સરકાર ભરશે ‘આ’ પગલું

2024માં રાજ્યમાં ૩૬,૦૮૪ અકસ્માતો અને ૧૫,૩૩૫ મૃત્યુ થયા હતા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વધતા રોડ અકસ્માતોના નિયંત્રણ માટે સરકાર મહત્ત્વના નિર્ણયો લઈ રહી છે, જેમાં હવે સરકાર ડ્રગ્સ ટેસ્ટના પરીક્ષણ માટેના મશીનો પણ ખરીદવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તેમનો વિભાગ ચાલકે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે ચકાસવા માટે મશીનો ખરીદી રહ્યો છે, ઉપરાંત દારૂનું પરીક્ષણ પણ કરાવી રહ્યો છે.

રાજ્ય વિધાનસભામાં માર્ગ અકસ્માતો અંગેના પ્રશ્નના જવાબમાં સરનાઈકે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૨૨માં ૩૩,૩૮૩ અકસ્માતો અને ૧૫,૨૨૪ મૃત્યુ નોંધાયા હતા. જયારે ૨૦૨૩માં ૩૫,૨૪૩ અકસ્માતો અને ૧૫,૩૬૬ મૃત્યુ થયા હતા. ગયા વર્ષે આ સંખ્યા વધીને ૩૬,૦૮૪ અકસ્માતો અને ૧૫,૩૩૫ મૃત્યુ થયા હતા.

આપણ વાંચો: કચ્છમાં કાળચક્રનો કોળિયો બન્યા આઠઃ અકસ્માતોની વણઝાર ક્યારે રોકાશે?

સરનાઈકે જણાવ્યું હતું કે, પોલીસ પરીક્ષણમાં દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ પકડાય છે, પરંતુ એવા કિસ્સાઓ પણ બન્યા છે જ્યાં ચાલકોએ ડ્રગ્સનું સેવન કર્યું હોય. ટ્રાફિક વિભાગ એવા મશીનો ખરીદી રહ્યું છે જે ડ્રાઇવરે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે ચકાસી શકે છે, આ ઉપરાંત ડ્રગનું પરીક્ષણ પણ કરી શકે છે.

પ્રધાને કહ્યું કે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ને ચેતવણી આપવા અને દંડ વસૂલી માટે કરવામાં આવશે. તેમણે એ પણ સ્વીકાર્યું કે રાજ્ય હાઇ-વે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં સક્ષમ નથી.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button