મહારાષ્ટ્ર સરકારે 33,000 કરોડના એમઓયુ કર્યાઃ 33,000 લોકોને રોજગાર મળવાનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે 17 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જેના પગલે રૂ. 33 હજાર 768.89 કરોડનું રોકાણ થશે અને એને પગલે તેત્રીસ હજારથી વધુ લોકોન્ડ રોજગાર મળશે તેવી અપેક્ષા છે.
ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતની હાજરીમાં થયેલા આ એમઓયુમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ, સૌર ઊર્જા, ઇલેક્ટ્રિક બસો અને ટ્રકો તેમજ સંરક્ષણ સંબંધિત ઉદ્યોગો સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: થોરિયમ ન્યુક્લિયર રિએક્ટરના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર
આ ઉદ્યોગો ઉત્તર મહારાષ્ટ્ર, પુણે, વિદર્ભ અને કોંકણમાં સ્થપાશે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં સરળ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે એવી ખાતરી મુખ્ય પ્રધાને રોકાણકારોને આપી હતી. 33 હજાર 768.89 કરોડના એમઓયુથી 33 હજાર 483 રોજગારીનું સર્જન થવાની ધારણા છે.
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે કરારો પર હસ્તાક્ષર કરી અટકી નહીં જઈએ. રોકાણના દરેક તબક્કે સરકાર ભાગીદાર રહેશે જેથી કોઈ અવરોધ ન આવે એના પર ધ્યાન રહે.’ તેમણે રાજ્યના ‘મૈત્રી’ પોર્ટલ પર પ્રકાશ પાડ્યો હતો જે સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ છે. આ પોર્ટલનો ઉદ્દેશ ઉદ્યોગો માટે જમીન, મંજૂરીઓ અને અન્ય સુવિધા આપવાનો છે.