મહારાષ્ટ્ર સરકારે વીજળી કર બમણો કર્યો: કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને ઝટકો | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે વીજળી કર બમણો કર્યો: કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને ઝટકો

ખેડૂતો માટે મફત સૌર પંપ યોજનાના ખર્ચને પહોંચી વળવા નિર્ણય, યુનિટે 9.90 પૈસાનો વધારો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યની ગત વિધાનસભા ચૂંટણી વખતે જાહેર કરાયેલ કલ્યાણકારી યોજનાઓએ મહાગઠબંધનને સત્તા તો અપાવી દીધી પણ હવે એ યોજનાઓના દુષ્પરિણામ સરકારી તિજોરી પર દેખાઈ રહ્યા છે. આ યોજનાઓને કરે વધી ગયેલા ખર્ચને પહોંચી વળવા સરકારે વ્યાપારી, ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે વીજળી પર ટેક્સનું ભારણ વધારવાનું નક્કી ર્ક્યું છે.

રાજ્ય સરકારે મહારાષ્ટ્રભરના ખેડૂતોને સૌર પંપ પૂરા પાડવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે વાણિજ્યિક અને ઔદ્યોગિક વપરાશકર્તાઓને વીજળીના વેચાણ પરનો વધારાનો કર લગભગ બમણો કરી દીધો છે. મંગળવારે આ નિર્ણય લેવાયો હતો, કારણ કે મહાયુતિ સરકારને પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને મફત સૌર પંપ પુરા પાડવાના તેના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે વધારાની આવક એકત્ર કરવાની જરૂર છે.

આ પણ વાંચો: હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ

વાણિજ્યિક અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે વીજળી પર પ્રતિ યુનિટ 9.90 પૈસાનો કર વધારીને, રાજ્ય દર વર્ષે ₹ 834 કરોડ એકત્ર કરશે. સરકાર હાલમાં આ ગ્રાહકો પર પ્રતિ યુનિટ 11.04 પૈસાના દરે કર વસૂલ કરે છે.

સરકારી સૂત્રોએ નિર્દેશ કર્યો કે કરદાતાઓ પર ગંભીર બોજ નાખતી યોજનાઓમાં મુખ્ય લાડકી બહેન યોજનાનો સમાવેશ થાય છે, જેનો વાર્ષિક ખર્ચ લગભગ ₹ 36,000 કરોડ છે, અને ખેડૂતોને કૃષિ પંપ માટે મફત વીજળી પૂરી પાડતી યોજનાઓનો અંદાજ ₹ 14,700 કરોડ છે.

આ ઉપરાંત, રાજ્ય પીએમ કુસુમ જેવી રાજ્ય અને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓનો અમલ કરવા માટે બંધાયેલું છે. આ યોજના હેઠળ, રાજ્યનો માર્ચ 2026 સુધીમાં 5.5 લાખ સૌર પંપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો: આ રાજ્યમાં અનેક લોકોનું વીજળી બિલ થઈ જશે ઝીરો, સરકારે કરી જાહેરાત

આ પંપ રાજ્ય સંચાલિત વીજ વિતરણ કંપની મહાવિતરણ અને રિન્યુએબલ એનર્જી સાથે સંબંધિત મહાઉર્જા દ્વારા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 4,23,510 સૌર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે 1,26,490 પંપની સ્થાપના બાકી છે. આ કર વધારો બે વર્ષ માટે લાગુ રહેશે. આ ગ્રાહકો પાસેથી એકંદરે પીએમ કુસુમ માટે ₹3,591 કરોડથી વધુનો કર વસૂલવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું.

આ મુદ્દે જાણીતા નિષ્ણાત અશોક પેંડસેએ જણાવ્યું હતું કે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકો પર બોજ વધારવો વાજબી નથી, જેઓ પહેલાથી જ અન્ય વપરાશકર્તાઓ કરતા વધારે ટેરિફ ચૂકવે છે. સરકારનો દાવો છે કે વીજળી સસ્તી થઇ રહી છે અને બીજી બાજુ કરવધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે ઉદ્યોગોને પ્રતિકૂળ અસર કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button