લોનની ચુકવણી માટે ખેડૂતને એક કિડની વેચવા મજબૂર કરાયો: છની ધરપકડ

ચંદ્રપુર: દેવામાં ડૂબેલા ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પણ ચંદ્રપુર જિલ્લામાં તો એક ખેડૂતને લોનની ચુકવણી માટે એક કિડની વેચવા મજબૂર કરાયો હોવાની ગંભીર બાબત સામે આવી હતી. પોલીસે આ દાવાની સત્યતા તપાસવા ખેડૂતનું તબીબી પરીક્ષણ કરાવ્યું તો તેની એક કિડની ખરેખર ગુમ હોવાનું જણાયું હતું.
ચંદ્રપુરના ખેડૂત રોશન કુડેએ ચાર ધિરાણદાર પાસેથી કરજ લીધું હતું અને તે રકમ પાછી ચૂકવી શક્યો નહોતો, પરિણામે ધિરાણદારોએ તેને એક કિડની વેચવા માટે મજબૂર કર્યો હોવાનો દાવો કુડેએ કર્યો હતો. કુડેના દાવા બાદ પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ બાદ છ ધિરાણદારની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી પાંચને કોર્ટે 20 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આરોપીઓની ઓળખ કિશોર બાવનકુળે, પ્રદીપ બાનવકુળે, સંજય બલ્લારપુરે, લક્ષ્મણ ઉરકુડે, મનીષ ઘાટબંધે અને સત્યવાન બોરકર તરીકે થઈ હતી. તેમની વિરુદ્ધ બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચંદ્રપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુદર્શન મુમ્મકાએ જણાવ્યું હતું કે અમે કુડેને બધી માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. તેના આર્થિક વ્યવહાર તપાસવામાં આવતાં તેણે ઘણા બધા ધિરાણદારો પાસેથી નાણાં ઉછીના લીધાં હોવાનું જાણવા મળ્યું છે.
નાગભીડ તહેસીલના મિંથુર ગામમાં રહેતા કુડેની ખેતીલાયક ચાર એકર જમીન છે. ખેતીમાં નુકસાન જતાં તેણે અલગ વ્યવસાય કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ ડેરી વ્યવસાય કરીને આવક કમાવા તેણે ગાયો ખરીદી હતી.
29 વર્ષના કુડેએ બે ધિરાણદાર પાસેથી 2021માં 40 ટકા વ્યાજદરે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ધિરાણદારોએ પછીથી દાવો કર્યો હતો કે આ રકમ વ્યાજ સાથે 74 લાખ સુધી પહોંચી ગઈ છે.
કુડેએ પોલીસને જણાવ્યું હતું કે આટલી મોટી રકમ ચૂકવી શકે એમ ન હોવાથી એક ધિરાણદારે લોનના અમુક હપ્તા ભરપાઈ કરવા માટે એક કિડની વેચવાનું સૂચન કર્યું હતું. પછી તેણે ઈન્ટરનેટ પર સર્ચ કરીને એજન્ટનો સંપર્ક સાધ્યો હતો.
એજન્ટ કુડેને કોલકાતા લઈ ગયો હતો. ત્યાં ડૉક્ટર દ્વારા તબીબી પરીક્ષણ કરાયા પછી કુડેને કમ્બોડિયા લઈ જવાયો હતો, જ્યાં તેની એક કિડની કાઢી લેવામાં આવી હતી. આની સામે તેને આઠ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, એવું કુડેએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે બુધવારે ચંદ્રપુર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં કુડેની તબીબી તપાસ કરાવી હતી, જ્યાં ડૉક્ટરે કુડેની એક કિડની ગુમ હોવાનું તારણ કાઢ્યું હતું, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)



